લંડનઃ બોરિસ જ્હોન્સનના ડાઉનિંગ સ્ટ્રીટ ફ્લેટની નવસજાવટનો ખર્ચ ચૂકવવા ૫૭ વર્ષીય ટોરી દાતા લોર્ડ બ્રાઉનલો ઓફ શરલોક રોએ ૫૩,૦૦૦ પાઉન્ડનું દાન આપ્યું હતું.
ડાઉનિંગ સ્ટ્રીટ નંબર ૧૧ની ઉપર આવેલા એપાર્ટમેન્ટની સજાવટ માટે વાર્ષિક ૩૦,૦૦૦ પાઉન્ડનું એલાવન્સ ઓછું પડતા ટોરી દાતાએ ૫૩,૦૦૦ પાઉન્ડ આપ્યા હતા. જ્હોન્સને ફ્લેટના રિડેકોરેશન માટે તેમની પત્ની કેરીની પસંદગીના ઈકો-ડિઝાઈનર લુલુ લાયટલની સેવા લીધી હતી. કામકાજ શરૂ કરાયા પછી જ્હોન્સન વધતા ખર્ચની ફરિયાદ કરતા જણાયા હતા.
કન્ઝર્વેટિવ પાર્ટીના એકાઉન્ટ્સમાં દર્શાવ્યા મુજબ પાર્ટીએ લોર્ડ બ્રાઉનલોના ડોનેશન પછી કામકાજમાં ખૂટતી રકમ માટે ૫૨,૮૦૨ પુન્ડની લોન કેબિનેટ ઓફિસને આપી હતી. અખબારોમાં આ નાણાકીય વ્યવસ્થાની વિગતો બહાર આવ્યા પછી જ્હોન્સને બ્રાઉનલોને તેમની રકમ પરત કરી હતી અને સજાવટનો ખર્ચ પોતે જ ભોગવ્યો હતો. કન્ઝર્વેટિવ પાર્ટીએ જણાવ્યું હતું કે પાર્ટીએ શોર્ટ ટર્મ લોન પૂરી પાડી હતી જે પાર્ટીને પરત કરી દેવાઈ છે.