લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સન લોકડાઉન નિયમોના ભંગના પાર્ટીગેટ પ્રકરણમાં બરાબરના ફસાઈ ગયા છે અને સાંસદો તેમના રાજીનામાની માગણી કરી રહ્યા છે ત્યારે કન્ઝર્વેટિવ પાર્ટીના નવા નેતા અને વડા પ્રધાન બનવા માટે ચાન્સેલર રિશિ સુનાક અને ફોરેન સેક્રેટરી લિઝ ટ્રેસ વચ્ચે સ્પર્ધા જામી છે. બીજી તરફ, ટ્રેડ મિનિસ્ટર પેની મોરડન્ટ પણ લોકપ્રિય ડાર્ક હોર્સ તરીકે ઉભરી રહ્યાં છે. સુનાક અને ટ્રસ ઉપરાંત, અન્ય ૧૪ નેતા પણ સ્પર્ધામાં ઝૂકાવે તેવી શક્યતા છે.
જ્હોન્સનને નેતાપદેથી ઉથલાવી દેવાય તેવા સંજોગોમાં બંને ધરખમ પ્રતિસ્પર્ધીઓ- રિશિ સુનાક અને લિઝ ટ્રેસ તેમને કેટલું સમર્થન મળશે તે જાણવા સાંસદોનો ગુપ્તપણે સંપર્ક સાધી રહ્યાં છે. સાંસદોને નેતાગીરીની સ્પર્ધાના રિહર્સલ તરીકે બ્રેકફાસ્ટ બેઠકો, ચિંતનસત્રો અને મિત્રમંડળ બેઠકોમાં આમંત્રિત કરાય છે. જોકે, સુનાક અને ટ્રસ ઘેરાયેલા વડા પ્રધાન જ્હોન્સનને વફાદાર હોવાનું ચિત્રણ કરી રહ્યા હોવાથી આ પ્રવૃત્તિઓ છાનીછપની ચાલી રહી છે.
ફોરેન સેક્રેટરી ટ્રસે તાજેતરમાં બ્રેકફાસ્ટ કાર્યક્રમમાં સાંસદોના નાના મજૂથને બોલાવી સંબોધન પણ કર્યું હતું. સાંસદોને કેમ બોલાવાયા હતા તેનો ખુલાસો કરાયો ન હતો પરંતુ, સાંસદોએ જણાવ્યું હતું કે બધું સ્પષ્ટ જ હતું. આધુનિક કાળના શ્રીમતી થેચર તરીકે પેની મોરડન્ટની છબીએ આખરી પસંદગી કરનારા ગ્રાસરુટ ટોરીઝમાં વધુ લોકપ્રિય બનાવ્યાં છે. આમ છતાં, ટ્રસના સમર્થકોને રિશિ સુનાકનો ભય છે.
ચાન્સેલર સુનાક પણ ચાર-ચાર સાંસદોના જૂથને મળી રહ્યા છે. કોરોના મહામારીમાં કામગીરીએ તેમને પ્રતિષ્ઠા અને લોકપ્રિયતા અપાવી છે. આ ઉપરાંત, તેમણે આખરી મતદાનમાં મોરડન્ટને પછાડવા પૂર્વ હેલ્થ સેક્રેટરી જેરેમી હન્ટ સાથે સમજૂતી પણ કરી લીધી હોવાનું કહેવાય છે. જોકે, ડાઉનિંગ સ્ટ્રીટના પૂર્વ મદદનીશ ડોમિનિક કમિંગ્સ સાથે તેમની વધતી નિકટતા ચિંતાપ્રેરક બની શકે છે. ૪/૧ની પસંદગી સાથેના ટ્રસ સામે ૭/૪ની પસંદગી ધરાવતા સુનાક પરાજિત થઈ શકે છે.
પેની મોરડન્ટ પણ લોકપ્રિય ઉમેદવાર
ટ્રેડ મિનિસ્ટર પેની મોરડન્ટ પણ ડાઉનિંગ સ્ટ્રીટમાં સ્થાન જાળવવા મરણિયા પ્રયાસ કરી રહેલા જ્હોન્સનની જગ્યાએ લોકપ્રિય ઉમેદવાર તરીકે બહાર આવી રહ્યાં છે. ડિફેન્સ સેક્રેટરી ઓફ સ્ટેટ સહિત અનેક કેબિનેટ હોદ્દાઓ સંભાળી ચૂકેલાં મોરડન્ટ ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં ચૂંટાયેલા કથિત રેડ વોલ સાંસદોમાં લોકપ્રિય છે. આ સાંસદોમાંથી ઘણાને ડાઉનિંગ સ્ટ્રીટ પાર્ટીઝ કૌભાંડના કારણે પોતાની બેઠકો ગુમાવવાનો ડર છે.