લંડનઃ ચોતરફથી ઘોરાયેલા બોરિસ જ્હોન્સનને વધુ એક આંચકો આપતી પક્ષપલટાની ઘટનામાં બરી સાઉથના કન્ઝર્વેટિવ સાંસદ ક્રિશ્ચિયન વેકફોર્ડ ૧૯ જાન્યુઆરી, બુધવારે લેબર પાર્ટીમાં જોડાઈ ગયા હતા. તેમણે વડા પ્રધાન જ્હોન્સનને પાઠવેલા પત્રમાં જણાવ્યું હતું કે મહેનતુ લોકોના સંપર્કમાં નહિ રહેતી કન્ઝર્વેટિવ સરકારને તેઓ ટેકો આપી શકે તેમ નથી. લેબરનેતા સર કેર સ્ટાર્મરે વેકફોર્ડને પાર્ટીમાં આવકાર્યા હતા.
ડાઉનિંગ સ્ટ્રીટ પાર્ટીઝ કૌભાંડ વચ્ચે પોતાની નેતાગીરીને બચાવવા ઝઝૂમી રહેલા જ્હોન્સન માટે આ મોટો આઘાત છે. ૨૦૧૯ના જનરલ ઈલેક્શનમાં ચૂંટાયેલા રેડ વોલ સાંસદોમાં એક ક્રિશ્ચિયન વેકફોર્ડે વડા પ્રધાન જ્હોન્સને પાઠવેલા પત્રમાં જણાવ્યું હતું કે તેમના માનવા મુજબ તમારા નેતૃત્વ હેઠળની કન્ઝર્વેટિવ સરકાર બરી સાઉથ અને દેશના લોકોને મદદરૂપ બનવા કશું કરી રહી નથી. ફૂડ, ફ્યૂલ અને એનર્જીના વધતા ભાવને નાથવામાં ટોરી સરકારની નિષ્ફળતાથી પરિવારો, બિઝનેસીસ અને પેન્શનરો પીડાઈ રહ્યા છે. બ્રિટનના લોકો નિર્વાહખર્ચની કટોકટીનો સામનો કરી રહ્યા છે.
વેકફોર્ડ ડાઉનિંગ સ્ટ્રીટ પાર્ટીઓના કૌભાંડ મુદ્દે વડા પ્રધાન જ્હોન્સનના વાચાળ ટીકાકાર રહ્યા છે. તેમણે જ્હોન્સન વિરુદ્ધ અવિશ્વાસનો પત્ર પણ રજૂ કર્યો હતો. વેકફોર્ડે કહ્યું હતું કે લેબર સાથે મહિનાઓની વાતચીત પછી આ નિર્ણય લેવાયો છે. કન્ઝર્વેટિવ પાર્ટીમાં નેતાગીરી માટે સ્પર્ધા કરાવવા આવશ્યક ૫૪ પત્રોની સંખ્યા ટુંક સમયમાં પાર કરી લેવાશે તેમ બળવાખોર ટોરી સાંસદો માને છે. જ્હોન્સને પાર્ટીગેટ કૌભાંડ ને જે રીતે હલ કર્યું છે તેનાથી પક્ષમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે. શરૂઆતમાં સતત ઈનકાર કર્યા પછી જ્હોન્સને લોકડાઉનમાં યોજાએલી કથિત ‘વર્ક ઈવેન્ટ’ પાર્ટીમાં પોતાની હાજરીની કબૂલાત કરી હતી.
હજુ વધુ સાંસદો લેબર પાર્ટીમાં?
ક્રિશ્ચિયન વેકફોર્ડના નાટ્યાત્મક પક્ષપલટા પછી હજુ ઘણા ટોરી સાંસદો લેબર પાર્ટીમાં જવા વિચારતા હોવાનું કહેવાય છે. જોકે, તેની સંખ્યા કેટલી છે તેનો ફોડ પડાયો નથી. શેડો કેબિનેટમાં રહેલા એક મિનિસ્ટરે જણાવ્યું હતું કે કન્ઝર્વેટિવ બેન્ચીસ પરના ઘણા સભ્યોમાં નારાજગી છે અને તેમની સાથે વાતચીત ચાલુ છે, તેઓ ‘રેડ વોલ’ સાંસદને અનુસરી શકે છે. અન્ય લેબર સાંસદે કહ્યું હતું કે આગામી મહિનામાં પ્રકાશિત થનારા ‘લેવલિંગ અપ વ્હાઈટ પેપર’માં કેવી રુપરેખા જાહેર કરાય છે તેની પણ રાહ જોવા્ઈ રહી છે જો તેમાં ખાલી વાતો હશે અને કોઈ નવી નાણાકીય ફાળવણી નહિ હોય તો નારાજગી વધશે.