લંડન
બોરિસ જ્હોન્સનના અનુગામીની પસંદગી માટે કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યે દ્વારા મતદાનમાં વિલંબ સર્જાય તેવી સંભાવના છે. જીસીએચક્યૂ સ્પાય એજન્સીએ ચેતવણી જારી કરી છે કે સાયબર હેકર્સ મતદારોના બેલટ પેપર સાથે ચેડાં કરી મતદાનના પરિણામ બદલી શકે છે. ચેતવણીના કારણે કન્ઝર્વેટિવ પાર્ટી બેલટ પેપર મોકલવામાં વિલંબ કરી રહી છે.
કન્ઝર્વેટિવ પાર્ટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમે નેશનલ સાયબર સિક્યુરિટી સેન્ટરની સલાહ પ્રમાણે મતદાન પ્રક્રિયામાં બદલાવ કર્યો છે. અમે એનસીએસસીને મળીને સમગ્ર મતદાન પ્રક્રિયા અંગે સલાહ લીધી છે અને મતદાન પ્રક્રિયાની સુરક્ષા વધારવાનો નિર્ણય લીધો છે.
એનસીએસસીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, બ્રિટનની લોકતાંત્રિક અને ચૂંટણી પ્રક્રિયાઓની સુરક્ષા અમારી ટોચની પ્રાથમિકતા છે અને અમે સાયબર સિક્યુરિટી આપવા માટે અમે તમામ સંસદિય રાજકિય પાર્ટીઓ, સ્થાનિક સત્તાવાળા અને સાંસદો સાથે મળીને કામ કરતા હોઇએ છીએ. અમે કન્ઝર્વેટિવ પાર્ટીને પણ ઓનલાઇન લીડરશિપ વોટિંગ માટે જરૂરી સલાહો આપી છે.
ટેલિગ્રાફના અહેવાલ મુજબ આમ તો કોઇ ચોક્કસ પ્રકારની ધમકી અપાઇ નથી પરંતુ મતદાન પ્રક્રિયાના નબળા પાસાઓ અંગે ચિંતા પ્રવર્તી રહી છે.
કન્ઝર્વેટિવ પાર્ટીએ જણાવ્યું હતું કે, સાયબર સિક્યુરિટીની ચેતવણીને ધ્યાનમાં રાખીને 1,80,000 ટોરી સભ્યોને બેલટ પેપર મોકલવામાં વિલંબ કરાયો છે. 11મી ઓગસ્ટ સુધીમાં બધા સભ્યોને બેલટ પેપર મળી જવાની સંભાવના છે.
બોક્સ
કન્ઝર્વેટિવ પાર્ટીએ મતદાનના નિયમોમાં બદલાવ કર્યો
પાર્ટીએ મતદારોને ઓનલાઇન અથવા પોસ્ટલ બેલટથી મતદાન કરવાની પરવાનગી આપી હતી અન બીજી સપ્ટેમ્બરે મતદાન પુરું થાય ત્યાં સુધી મતદાર તેના મતમાં બદલાવ પણ કરી શક્તો હતો પરંતુ હવે દરેક સભ્યને યુનિક કોડ અપાશે જના દ્વારા તે ઓનલાઇન અથવા પોસ્ટલ બેલટ દ્વારા ફક્ત એકવાર મતદાન કરી શકશે અને પોતાના મતમાં બદલાવ કરી શકશે નહીં.