લંડનઃ બ્રિટનના લોકો જીવનનિર્વાહની કટોકટીમાં શું ખરીદવું તેની સમસ્યાનો સામનો કરી રહ્યા છે ત્યારે ટોરી સરકારના 55 વર્ષીય એજ્યુકેશન સેક્રેટરી નધીમ ઝાહાવીના પત્ની લાનાને આવી કટોકટી જરા પણ નડતી નથી. ઝાહાવીના પત્ની લાનાએ ગત સપ્ટેમ્બરમાં જ કેમ્બ્રિજશાયરના સેન્ટ નિઓટ્સ ખાતે 6.3 મિલિયન પાઉન્ડનો પ્લોટ ખરીદ્યો છે જેમાં વિશાળ કો-ઓપ સુપરસ્ટોર અને કાર પાર્કિંગનો સમાવેશ થાય છે. આ ખરીદી લાનાની માલિકીની ઝાહાવી એન્ડ ઝાહાવી લિમિટેડ દ્વારા કરાઈ છે. હવે ઝાહાવી દંપતીના 100 મિલિયન પાઉન્ડના પ્રોપર્ટી સામ્રાજ્યમાં લાના ઝાહાવીના બે સુપરસ્ટોરની માલિકીનો સમાવેશ થાય છે.
નધીમ ઝાહાવી આ કંપનીના સ્થાપક અને ડાયરેક્ટર હતા પરંતુ, સરકારમાં જોડાયા પછી 2018માં તેમણે પદત્યાગ કર્યો હતો. લાનાના અંકુશ હેઠળની અન્ય કંપની વેસ્ટ મિડલેન્ડ્સના બ્રીઅર્લી હિલ વિસ્તારમાં 18 મિલિયન પાઉન્ડના મૂલ્યની જમીનની માલિકી ધરાવે છે જેમાં અસ્ડાનો મેગાસ્ટોર આવેલો છે. ગત છ વર્ષમાં ઝાહાવી દંપતીની કંપનીઓએ કોમર્શિયલ પ્રોપર્ટીઝ પાછળ 80 મિલિયન પાઉન્ડ ખર્ચ્યા છે. તેઓ લંડનમાં ત્રણ, વોરવિકશાયરમાં એક અને દુબઈમાં એક સહિત પાંચ નિવાસસ્થાનની માલિકી ધરાવે છે જેનું મૂલ્ય 17 મિલિયન પાઉન્ડ થવા જાય છે.