લંડન
ટોરી લીડરશિપની લડાઇ અંત સુધી લડી લેવાનો હુંકાર રિશિ સુનાકે ભર્યો છે. ટોરી પાર્ટીના સભ્યોમાં લિઝ ટ્રસ સુનાક કરતાં બમણુ સમર્થન ધરાવતા હોવા છતાં સુનાકે રેસમાંથી હટી જવાનો ઇનકાર કર્યો છે. સ્કાય ન્યૂઝની ડિબેટમાં સુનાકને સવાલ કરાયો હતો કે શું તેઓ રેસમાંથી ખસી જશે? જવાબમાં સુનાકે કહ્યું હતું કે, ના.. હું મારી લડત ચાલુ રાખીશ. આ સપ્તાહમાં ટોરી મેમ્બર્સ વચ્ચે હાથ ધરાયેલા બે ઓપિનિયન પોલમાં સુનાક લિઝ ટ્રસ કરતાં અનુક્રમે 32 અને 34 ટકા પાછળ રહ્યા હતા. ઓપિનિયન પોલમાં લિઝ ટ્રસની બહુમતીને ધ્યાનમાં લેતાં એવી અટકળો ચાલી રહી હતી કે સુનાક રેસમાંથી ખસી જશે. ડિબેટ દરમિયાન ટ્રસ અને સુનાક વચ્ચે મંદીની સંભાવના અને ફુગાવાને નિયંત્રણમાં લેવાના વિકલ્પો પર પણ ચડસાચડસી જોવા મળી હતી. ટ્રસે જણાવ્યું હતું કે, મંદીને ટાળી શકાય તેમ છે. બેન્ક ઓફ ઇંગ્લેન્ડની આગાહી ચિંતાજનક છે પરંતુ તેને અટકાવી ન શકાય તેવું નથી. આપણે પરિણામો બદલી શકીએ છીએ. ટેક્સમાં કાપ મૂકવાના મારા પ્રસ્તાવો સ્થિતિ બદલી શકે છે. વિકાસ માટે તમે કરવેરા વધારવા પર જ આધાર રાખી શકો નહીં. બીજીતરફ સુનાકે જણાવ્યું હતું કે, હું અબજો પાઉન્ડની રાહતો આપવાના વચનો આપીશ નહીં કારણ કે તેના દ્વારા મોંઘવારી વકરશે. કન્ઝર્વેટિવ પાર્ટીએ વાસ્તવિકતા સ્વીકારવાની જરૂર છે. અર્થતંત્ર રેડ લાઇટ બતાવી રહ્યું છે અને તેનું મૂળ કારણ ફુગાવો છે.
હાઉસિંગ સ્ટોક વધારવા રિશિ સુનાકનું વચન
રિશિ સુનાકે હાઉસિંગ સ્ટોક વધારવા વચન આપ્યું છે. સુનાક આ માટે લેન્ડ બેન્કિંગના નિયમોમાં સુધારા કરીને લોકો ઝડપથી મકાન મેળવી શકે તે માટેના પ્રયાસો કરશે. સુનાક કહે છે કે લેન્ડ બેન્કિંગમાં સુધારા દ્વારા રિઅલ એસ્ટેટ માર્કેટમાં વેગ આવશે અને યુવાઓને તેમનું પહેલું ઘર ખરીદવાની સારી તકો મળશે. આપણે મૂડીવાદના ધ્વજધારકો છીએ પરંતુ જો ભાવિ પેઢીના હાથમાં મૂડી નહીં હોય તો આપણે તેમને મૂડીવાદમાંની આપણી આસ્થામાં હિસ્સો વહેંચી શકીશું નહીં. તેથી ભાવિ પેઢીને સસ્તા દરે મકાનો ઉપલબ્ધ બને તે માટે હું પ્રયાસ કરીશ.
લિઝ ટ્રસ અને સુનાકને વિભાજિત કરનારા કલ્ચર વોરથી દૂર રહેવા અપીલ
ટોરી રેસ રિલેશન ગ્રુપે લિઝ ટ્રસ અને રિશિ સુનાકને બ્રિટિશ સમાજને વિભાજિત કરતા કલ્ચર વોરથી દૂર રહેવાની અપીલ કરી છે. કન્ઝર્વેટિવ્ઝ અગેન્સ્ટ રેસિઝમ ફોર ઇક્વાલિટીના સીઇઓ એલ્બી એમનકોનાએ જણાવ્યું હગતું કે, ટ્રસ અને સુનાક બ્રિટનની જનતાને અસર કરતા મુદ્દાઓથી ભટકી રહ્યાં છે. તેઓ સતત જેન્ડર ઇક્વાલિટી અથવા તો અન્ય વિચારધારાઓના મુદ્દો પર બિનજરૂરી રીતે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છે.
હજુ વર્ક ફ્રોમ હોમ કરી રહેલા સરકારી કર્મચારીઓ સામે પગલાં લેવા ટ્રસનું વચન
લિઝ ટ્રસે જણાવ્યું હતું કે, હજુ પણ ઘણા સરકારી કર્મચારીઓ ઘેર બેસીને જ કામ કરી રહ્યાં છે. સરકારી કચેરીઓના ઘણા ટેબલો ખાલી જોવા મળી રહ્યાં છે. સરકારી સેવાઓમાં વર્ક ફ્રોમ હોમ કલ્ચરને હટાવવા લિઝ ટ્રસે કેબિનેટ ઓફિસ મિનિસ્ટર જેકબ રરીસ મોગના પ્રયાસોને સમર્થન આપ્યું છે.