લંડનઃ લેબર પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે કન્ઝર્વેટિવ્સના નવ વર્ષના શાસનમાં યુકેએ ૧૬.૭ બિલિયન પાઉન્ડની ટેક્સ રેવન્યુ ગુમાવી છે. ટોરીઝના ખોટા ખર્ચાઓના દાયકામાં અર્થતંત્રની વૃદ્ધિ કેવી રીતે મંદ અને નબળું પડ્યું છે તેના પર લેબર પાર્ટીએ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. દેશ જે આર્થિક પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે તે કન્ઝર્વેટિવ સરકારની પસંદગીઓનું પરિણામ છે તેમ લેબર પાર્ટી ઠસાવવા માગે છે.
લેબર પાર્ટી શેડો ચાન્સેલર રાચેલ રીવ્ઝની દેખરેખ હેઠળ બોરિસ જ્હોન્સનના લેવલિંગ-અપ દાવાઓને ખોટાં પાડવા ટોરી પાર્ટીના બેફામ ખર્ચાના દાયકાને આગળ વધારી રહેલ છે. હાઉસ ઓફ કોમન્સ લાઈબ્રેરીના આંકડાઓનો ઉપયોગ કરી લેબર પાર્ટીએ આક્ષેપ લગાવ્યો છે કે યુકેએ OECDની સરેરાશને સુસંગત વિકાસ સાધ્યો હોત તો ટેક્સ રેવન્યુમાં ગુમાવેલા ૧૬.૭ બિલિયન પાઉન્ડની રકમ સરકારી તિજોરીમાં હોત. આ રેવન્યુથી આ જ સમયગાળામાં કૌશલ્યમાં સરકારના વાર્ષિક ઈન્વેસ્ટમેન્ટની ચાર ગણી ચૂકવણી કરી શકાઈ હોત. આ ઉપરાંત, આ રેવન્યુ ગયા વર્ષે લંડનની બહાર ટ્રાન્સપોર્ટ પર કુલ સરકારી મૂડી ખર્ચની અડધી રકમ બરાબર હોત અથવા તેના થકી ૫૦૦,૦૦૦ નર્સીસ અથવા આશરે ૩૦૦,૦૦૦ શિક્ષકોને નોકરીએ રાખી શકાયા હોત. આ રકમમાંથી ૧૫,૦૦૦ પ્રાઈમરી સ્કૂલ્સ ચલાવવવાનો ખર્ચ આવરી શકાયો હોત અથવા ૫,૦૦૦ પ્રાઈમરી સ્કૂલ્સનું નિર્માણ કરી શકાયું હોત.
જો ૨૦૧૦થી ૨૦૧૯ના ગાળા વચ્ચે યુકેની વૃદ્ધિ OECD જેટલી હોત તે મુદ્દે લેબર પાર્ટી દ્વારા આ ગણતરી કરાઈ છે. ટેક્સ મેળવવાનું પ્રમાણ ૩૩.૪ ટકાનું ગણવા સાથે તેમાં જણાવાયું છે કે યુકેનો વિકાસ OECD દરથી ધીમો હોવાથી ૧૫.૪ બિલિયન પાઉન્ડની અને ફૂગાવાને ધ્યાનમાં લઈએ તો ૧૬.૭૪ બિલિયન પાઉન્ડની ટેક્સ રેવન્યુ ગુમાવવી પડી છે. દેશની આ હાલત માટે બોરિસ જ્હોન્સન અને રિશિ સુનાકની નીતિઓ જવાબદાર હોવાનું પણ લેબર પાર્ટી જણાવે છે.