લંડન
બ્રિટનના વડાપ્રધાન પદની રેસ ઉગ્ર બની રહી છે. હવે તેમાં વંશીય ભેદભાવનો મુદ્દો પણ ઉભરી આવ્યો છે. ટોરી પાર્ટીના કરોડોપતિ દાતાએ ભયસ્થાન બતાવ્યું છે કે જો કન્ઝર્વેટિવ મતદારો તેમના નવા નેતા તરીકે રિશિ સુનાકને પસંદ કરવામાં નિષ્ફળ જશે તો બ્રિટન પર વંશીય ભેદભાવ કરતા દેશનો થપ્પો લાગી જશે. લોર્ડ રેમી રેન્જરે જણાવ્યું હતું કે જો સુનાકને સ્થાને લિઝ ટ્રસની પસંદગી કરાશે તો દેશ અને કન્ઝર્વેટિવ પાર્ટી બદનામ થઇ જશે. 2009થી કન્ઝર્વેટિવ પાર્ટી અને તેના સાંસદોને 1.5 મિલિયન પાઉન્ડનું ભંડોળ આપી ચૂકેલા ભારતીય મૂળના બિઝનેસમેન લોર્ડ રેન્જરે જણાવ્યું હતું કે, ટોરી મતદારો પર હવે તેઓ વંશીય ભેદભાવ રાખતા નથી તે પૂરવાર કરવાનું દબાણ છે. તેમના માટે વ્યક્તિની લાયકાત મહત્વની છે તે સાબિત કરવું પડશે અને રિશિ સુનાક વડા પ્રધાન બનવાની તમામ લાયકાત ધરાવે છે.
તેમણે જણાવ્યું હતું કે, તમે ગમે તેની પસંદગી કરવાનો અધિકાર ધરાવો છો. પત્રકારો હંમેશા ટિપ્પણીનો અનર્થ કરતા હોય છે. જે કહ્યું છે તેનુ પુનરાવર્તન કરી રહ્યો છું. બહુમતી ટોરી સાંસદોએ રિશિ સુનાકની પસંદગી કરી છે અને જો તેમને ટોરી કાર્યકરો દ્વારા નકારી કઢાશે તો તેને વંશીય ભેદભાવ માનવામાં આવશે. મને આશા છે કે ટોરી મતદારો ન્યાયી પસંદગી કરશે અને કોઇને તે મૂળ અંગ્રેજ નહીં હોવાના કારણે નકારી નહીં કાઢે.
તેમણે જણાવ્યું હતું કે, રિશિ સુનાક સાંસદ બન્યા ત્યારથઈ તેમને સ્થાનિક અને દેશભરના સભ્યોનું જોરદાર સમર્થન હાંસલ થયું છે. તેમને પૂરો વિશ્વાસ છે કે ટોરી સભ્યો ખુલ્લા મને મતદાન કરશે અને તેઓ એ સાબિત કરવા માગે છે કે દેશ અને પાર્ટીને આગળ લઇ જવા માટે તે યોગ્ય વ્યક્તિ છે.