લંડનઃ સ્થાનિક કાઉન્સિલની ચૂંટણીઓમાં કન્ઝર્વેટિવ પાર્ટીને લંડનમાં ત્રેવડો ફટકો પડ્યો છે. તેના કિલ્લા સમાન ગણાતી વેસ્ટમિન્સ્ટર, વોન્ડ્ઝવર્થ અને બાર્નેટ બેઠકો ગુમાવવી પડી છે. લેબર પાર્ટી માટે વેસ્ટમિન્સ્ટર, વોન્ડ્ઝવર્થ બેઠકો પર વિજયનું મહત્ત્વ એટલા માટે છે કે વર્ષો પછી તેણે આ બેઠકો પર વિજય હાંસલ કર્યો છે અને રાજધાની લંડન પર પોતાની પકડ મજબૂત બનાવી છે. લંડનના મેયર સાદિક ખાને વેસ્ટમિન્સ્ટર અને વોન્ડ્ઝવર્થ બેઠકો પર વિજયને બિરદાવતા કહ્યું હતું કે ‘ઈતિહાસ રચાયો છે.’
વેસ્ટમિન્સ્ટર બેઠકની રચના 1964માં થયા પછી તેના પર ટોરી પાર્ટીનું જ પ્રભુત્વ રહ્યું છે. લેબર પાર્ટીએ પ્રથમ વખત વિજય મેળવ્યો છે. સર કેર સ્ટાર્મંરની આગેવાની હેઠળ લેબર પાર્ટીએ બાર્નેટ કાઉન્સિલ પર વિજય મેળવ્યો છે. અહીં જ્યુઈશ વસ્તીનું મોટું પ્રમાણ છે અને જેરેમી કોર્બીનની નેતાગીરી હેઠળ લેબર પાર્ટીમાં એન્ટિ-સેમેટિઝમના વિવાદો ચાલ્યા હતા તેને બાજુએ રાખી દઈ પાર્ટીએ વિજય મેળવ્યો હોવાથી તેનું મહત્ત્વ વધ્યું છે.
વડા પ્રધાન બોરિસ જ્હોન્સનની ટોરી પાર્ટીને વોન્ડ્ઝવર્થ બેઠક ગુમાવવી પડી તે સૌથી મોટો ફટકો ગણી શકાય કારણકે આ બેઠક પર છેક 1978થી તેણે કબજો જાળવી રાખ્યો હતો. માર્ગારેટ થેચર વડા પ્રધાન બન્યાના એક વર્ષ પહેલા ટોરી પાર્ટીએ લેબર પાર્ટી પાસેથી આ બેઠક છીનવી હતી અને થેચરને વોન્ડ્ઝવર્થ કાઉન્સિલ વધુ પસંદ હતી.