લંડનઃ કન્ઝર્વેટિવ પાર્ટીએ લગભગ ૨૦૦ વર્ષથી વિજય હાંસલ કર્યો હતો તેવી કિલ્લા સમાન નોર્થ શ્રોપશાયર સંસદીય બેઠકની પેટાચૂંટણી ગુમાવી છે. આ બેઠક પર લિબરલ ડેમોક્રેટ્સના ઉમેદવાર હેલન મોર્ગનનો વિજય થયો હતો જે, ચોતરફે ઘેરાયેલા વડા પ્રધાન બોરિસ જ્હોન્સન માટે આંચકારુપ બની રહેલ છે. મહત્ત્વની બાબત એ છે કે ગત ચૂંટણીમાં ટોરી પાર્ટીએ મેળવેલી ૨૩,૦૦૦ મતની સરસાઈ ધોવાઈ ગઈ હતી.
ગુરુવાર ૧૬ ડિસેમ્બરની નોર્થ શ્રોપશાયર પેટાચૂંટણીમાં ૧૪ ઉમેદવાર હતા. લિબરલ ડેમોક્રેટ મિસ હેલન મોર્ગનને ૧૭,૯૫૭ મત મળ્યા હતા જ્યારે ટોરી ઉમેદવાર ડો. નીલ શાસ્ત્રી-હર્સ્ટને ૧૨૦૩૨ અને લેબર પાર્ટીના બેન વૂડને ૩,૬૮૬ મત મળ્યા હતા. છેલ્લા ક્રમના સ્વતંત્ર ઉમેદવાર યોલાન્ડે કેનવાર્ડને માત્ર ત્રણ મત મળ્યા હતા. ૫,૯૨૫ મતથી વિજયી બનેલાં મિસ હેલને જાહેર કર્યું હતું કે વડા પ્રધાન માટે પાર્ટી પૂરી થઈ ગઈ છે.
પૂર્વ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મિસ મોર્ગનના વિજય સાથે લિબરલ ડેમોક્રેટ્સનું સંખ્યાબળ ૧૩ થયું છે. ૨૦૧૫ના જનરલ ઈલેક્શનમાં આ પાર્ટીના સંખ્યાબંધ સાંસદોનો પરાજય થયો હતો. લોબિઈંગ વિશે પાર્લામેન્ટરી નિયમોનો ભંગ કરનારા અને ૧૯૯૭થી નોર્થ શ્રોપશાયરના ટોરી સાંસદ ઓવેન પેટરસનના રાજીનામાંથી આ પેટાચૂંટણી યોજાઈ હતી. ઉલ્લેખનીય છે કે નોર્થ શ્રોપશાયર બેઠક પર છેક ૧૮૩૦થી કન્ઝર્વેટિવ સાંસદ ચૂંટાતા આવ્યા હતા જે સિલસિલો તૂટી ગયો છે.
આ મહિનાના આરંભે ટોરી પાર્ટીએ જેમ્સ બ્રોકેનશાયરના અવસાનથી યોજાયેલી પેટાચૂંટણીમાં ઓલ્ડ બેક્સલી એન્ડ સિડકપ બેઠક જાળવી હતી પરંતુ, તેની સરસાઈમાં ૧૫,૦૦૦ મત જેટલો ભારે ઘટાડો થયો હતો.