લંડન
ટોરી સાંસદોમાં લિઝ ટ્રસ સામેનો અસંતોષ ચરમસીમા પર પહોંચી ગયો છે. ઘણા સાંસદો એમ માની રહ્યાં છે કે ટ્રસની નીતિઓના કારણે આગામી સંસદની ચૂંટણીમાં તેમનો પરાજય નિશ્ચિત બની ગયો છે. ઘણા સાંસદો લિઝ ટ્રસના રાજીનામાની ખુલીને માગ કરી રહ્યાં છે. પૂર્વ મંત્રી અને ટોરી સાંસદ ક્રિસ્પિન બ્લન્ટ, સાંસદ એન્ડ્રુ બ્રિજેન અને જેમી વોલિસે નવા વડાપ્રધાન નિયુક્ત કરવાની હાકલ સાથે ટ્રસના રાજીનામાની માગ કરી છે. શુક્રવારે 1922 કમિટીના વરિષ્ઠ સભ્યોની બેઠકમાં ટ્રસના ભાવિ પર ચર્ચા કરાઇ હતી. ચર્ચાનો સાર એ રહ્યો હતો કે નિયમો પ્રમાણે ટ્રસને હજુ 11 મહિના સુધી વડાંપ્રધાનપદેથી હટાવી શકાય તેમ નથી પરંતુ કમિટીના ચેરમેન સર ગ્રેહામ બ્રેડીએ ટ્રસને હોદ્દા પરથી રાજીનામુ આપવા કહેવું પડશે.
છેલ્લા 72 કલાકથી એક જ ચર્ચા ચાલી રહી છે કે ટ્રસ કેટલો સમય હોદ્દા પર રહેશે. વધુને વધુ ટોરી સાંસદો ટ્રસના રાજીનામાની માગ સાથે આગળ આવી રહ્યાં છે. એક પૂર્વ મંત્રીએ જણાવ્યું હતું કે, લોકો જાણે છે કે ટ્રસની વિદાય નિશ્ચિત છે. સવાલ એ છે કે ક્યારે.
લિઝ ટ્રસની વિદાય થાય તો પીએમપદની તાજપોશી કોના માથે
1 રિશી સુનાક
રિશી સુનાક ટોરી લીડરશિપની રેસમાં સાંસદોની પહેલી પસંદ રહી ચૂક્યાં છે. ટ્રસની આર્થિક નીતિઓ અંગે સુનાકે આપેલી ચેતવણીઓ સાચી પડી ચૂકી છે. તેમની પસંદગીથી દેશનું અર્થતંત્ર સુરક્ષિત હાથોમાં હોવાનો મેસેજ જનતાને આપી શકાશે.
2. પેની મોરડૌન્ટ
સુનાક બાદ સૌથી વધુ સાંસદોનું સમર્થન હાંસલ કરનારા પેની મોરડૌન્ટ બિનવિવાદાસ્પદ નેતા રહ્યાં છે. પેની ટોરી સાંસદો પર સારું પ્રભુત્વ અને સ્વીકૃતિ પણ ધરાવે છે. જોકે કેટલાંકને તેમના અનુભવ અંગે મનમાં સવાલો છે.
3. બોરિસ જ્હોન્સન
ટોરી પાર્ટીના પાયાના કાર્યકરોમાં હજુ બોરિસ જ્હોન્સનની લોકપ્રિયતા યથાવત છે. તેમના સમર્થકો માને છે કે બોરિસને અન્યાયી રીતે દૂર કરાયાં હતાં. જોકે બોરિસ જ્હોન્સન સામેના કૌભાંડોના આરોપો ટોરીઝ માટે આગામી ચૂંટણીમાં મુશ્કેલી સર્જી શકે છે.
4 માઇકલ ગોવ
બોરિસ જ્હોન્સનના વિશ્વાસપાત્ર મનાતા માઇકલ ગોવને બોરિસ જ્હોન્સન પાછલા બારણે સમર્થન આપી પોતાના વિરોધીઓને માત આપવાનો પ્રયાસ કરી શકે છે. જોકે માઇકલ ગોવ જનતામાં એટલી લોકપ્રિયતા ધરાવતા નથી.
5 બેન વોલેસ
પેની મોરડૌન્ટની જેમ ડિફેન્સ સેક્રેટરી ટોરી સાંસદોમાં સ્વીકૃત નેતા છે. તેમણે અંગત કારણો આપીને ટોરી લીડરશિપની રેસમાં ઝંપલાવ્યું નહોતું પરંતુ જો આ વખતે તેઓ મેદાનમાં ઉતરે તો ઘણાના માટે મજબૂત પ્રતિસ્પર્ધી પૂરવાર થઇ શકે છે. ટોરી સાંસદો બેન વોલેસ પર જુગાર રમી શકે છે.
ટોરી સમર્થક દાતાઓ અને બિઝનેસ લીડર્સ પણ ટ્રસની વિદાય ઇચ્છે છે
જેરેમી હન્ટ દ્વારા મિની બજેટમાં ધરખમ સુધારાના વચનો છતાં ટોરી સમર્થક દાતાઓ અને બિઝનેસ લીડર્સ લિઝ ટ્રસની વિદાય ઇચ્છે છે. ટોરીના સૌથી મોટા દાતા જ્હોન ગ્રિફિને જણાવ્યું હતું કે, વડાપ્રધાન નિષ્ફળ પૂરવાર થયાં છે તેથી તેમને હટાવી દેવા જોઇએ. અસ્દા સુપરમાર્કેટ ચેઇનના લોર્ડ રોઝે ટ્રસની સરખામણી ખરાબ થઇ ગયેલા ફ્લશ સાથે કરતાં જણાવ્યું હતું કે હાલની સ્થિતિ સ્વીકાર્ય નથી. એલેક્ઝાન્ડર ટેમેર્કોએ જણાવ્યું હતું કે, સરકાર જવાબદાર આર્થિક નીતિઓ સાથે વેપાર અને ઉદ્યોગજગત સાથે કામ કરશે.
બેન વોલેસે લિઝ ટ્રસ સામે નવો મોરચો ખોલ્યો
ડિફેન્સ સેક્રેટરી બેન વોલેસે વડાંપ્રધાન લિઝ ટ્રસને ચેતવણી આપી છે કે જો તેઓ સંરક્ષણ ખર્ચમાં વધારાના વચનમાં યુ ટર્ન લેશે તો તેમને આપેલું સમર્થન પાછું ખેંચી લઇશ. લિઝ ટ્રસે જીડીપીના 3 ટકા સંરક્ષણ પાછળ ખર્ચ કરવાનું વચન આપ્યું હુતું. લિઝ ટ્રસના સ્થાને બેન વોલેસને સર્વસંમત નેતા તરીકે પસંદ કરવામાં આવે તેવી અટકળો વચ્ચે બેન વોલેસે લિઝ ટ્રસને આકરી ચેતવણી આપી છે.
લિઝ ટ્રસની નિષ્ફળતાઓથી સુનાક કેમ્પ ખુશખુશાલ
વડાંપ્રધાન તરીકે લિઝ ટ્રસની નિષ્ફળતાઓથી સુનાક કેમ્પ ખુશખુશાલ છે. સુનાક માટે કામ કરનારા એક્ટિવિસ્ટો માટે આયોજિત એક પાર્ટીમાં સુનાક સમર્થક સાંસદો અને ટોરી નેતાઓ હાજર રહ્યાં હતાં. ટ્રસ સામેના પરાજય પછી ભાગ્યે જ જાહેરમાં આવતા રિશી સુનાક વેસ્ટમિન્સટરમાં ચર્ચાના કેન્દ્રમાં રહ્યાં છે. તેમના સમર્થકો કહી રહ્યાં છે કે સુનાકે આપેલી ચેતવણીઓ સાચી પડી છે.