લંડનઃ ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબે પાર્લામેન્ટરી કમિટી સમક્ષ કબૂલ્યું છે કે યુકેના કેટલા લોકો અફઘાનિસ્તાનમાં રહ્યા તેનાથી તેઓ અજાણ છે. અફઘાનિસ્તાન તાલિબાનના કબજામાં આવ્યા પછી સરકાર ત્યાથી કેટલા લોકોનું ઈવેક્યુએશન કરાવવામાં નિ્ષ્ફળ ગઈ તેવા ફોરેન એફેર્સ સિલેક્ટ કમિટીના પ્રશ્ના ઉત્તરમાં ફોરેન સેક્રેટરી રાબે કહ્યું હતું કે થોડાં સેંકડો લોકો ત્યાંથી સ્થળાંતર કરાવવામાં રહી ગયા છે પરંતુ, તેઓ ચોક્કસ સંખ્યા જણાવી શકે તેમ નથી.
તેમણે વડા પ્રધાન બોરિસ જ્હોન્સનના નિવેદનને ટાંકી કહ્યું હતું કે ઈવેક્યુએશન માટે લાયક લોકોની ભારે બહુમતીનું કાબુલ એરપોર્ટ પરથી સ્થળાંતર કરી લેવાયું હતું. તાલિબાન રાજધાની કાબુલ તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે ફોરેન સેક્રેટરી વેકેશન માણી રહ્યા હતા તે મુદ્દા સાથે તેમના રાજીનામાંની માગણી પણ કરાઈ હતી. તાજેતરના સપ્તાહોમાં કેટલા ફોરેન મિનિસ્ટરોએ અફઘાનિસ્તાનની મુલાકાત લીધી હતી તેનો જવાબ પણ રાબ આપી શક્યા ન હતા. જોકે, તેમંણે કહ્યું હતું કે માર્ચની મધ્યથી ૩૦ ઓગસ્ટ સુધીના ગાળામાં તેમણે અફઘાનિસ્તાનના એજન્ડા સાથે ૪૦થી વધુ મીટિંગ કે ટેલિફોન કોલ્સ કર્યા હતા.
ફોરેન ઓફિસે જુલાઈમાં જ ચેતવણી આપી
તાલિબાન ઝડપથી અફઘાનિસ્તાનનો કબજો મેળવી લેશે તેવી ચેતવણી ફોરેન ઓફિસના જુલાઈ મહિનાના રિપોર્ટમાં અપાઈ હતી. કાબુલના પતનના ચાર સપ્તાહ અગાઉ જ પોતાના રિસ્ક એસેસમેન્ટ રિપોર્ટમાં તાલિબાન સત્તા પર આવશે, શહેરોનું પતન થશે અને માનવતાવાદી કટોકટી સર્જાશે તેવી ચેતવણી આપી હતી. ફોરેન સેક્રેટરીએ જણાવ્યું હતું કે તેમના માનવા અનુસાર અફઘાન રાજઘાની આગામી વર્ષ સુધી સલામત રહેશે અને તેમની માન્યતા જોઈન્ટ ઈન્ટેલિજન્સ કમિટીના મૂલ્યાંકનના આધારે હતી. આ સમયે તેમણે પોતાના જ મંત્રાલયના રિપોર્ટ પર શા માટે ધ્યાન આપ્યું નહિ તેવો પ્રશ્ન કરાયો હતો. ડોમિનિક રાબે સ્વીકાર્યું હતું કે કાબુલના ઝડપી અને વ્યાપક પતનથી યુકે આશ્ચર્યમાં પડી ગયું હતું.