લંડનઃ પાર્ટીગેટની પેનલ્ટીઝ અને રીશફલની અટકળો વચ્ચે વડા પ્રધાન બોરિસ જ્હોન્સને રિશિ સુનાકને સ્પષ્ટ કર્યું છે કે ચાન્સેલર તરીકે તેમની નોકરી સામે કોઈ જ ખતરો નથી. સુનાક ઈચ્છે ત્યાં સુધી પોતાના સ્થાન પર રહી શકે છે તેવા એક પ્રશ્નનો વડા પ્રધાન જ્હોન્સને હકારાત્મક ઉત્તર આપ્યો હતો.
જાન્યુઆરીમાં પાર્ટીગેટ કૌભાંડ બાબતે ચાન્સેલર રિશિ સુનાક વડા પ્રધાન જ્હોન્સનને તત્કાળ સંપૂર્ણ સમર્થન જાહેર કરવામાં નિષ્ફળ જવા સાથે બંને વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ બની રહ્યા હોવાનું બહાર આવ્યું હતું. આ પછી, સુનાક તેમની પત્નીના ટેક્સ સટેટસ મુદ્દે વિવાદમાં ઘેરાયા હતા. આના પરિણામે, સરકાર કૌભાંડોમાં ઘેરાઈ ગઈ હોવાની છાપ મજબૂત બની હતી. આ સમયે વડા પ્રધાન રીશફલિંગમાં ચાન્સેલરની હકાલપટ્ટી કરશે તેવી અફવા પણ બળવત્તર બની હતી.
પાર્ટીગેટ કૌભાંડમાં વડા પ્રધાન અને ચાન્સેલર બંનેને 50 પાઉન્ડની ફિક્સ્ડ પેનલ્ટી નોટિસ અપાયા પછી સુનાકે પોતાના ભવિષ્યનો વિચાર કરી રાજીનામું આપવાનું મન મનાવી લીધું હોવાનું કહેવાય છે. જોકે, પાછળથી તેમણે પેનલ્ટી મુદ્દે રાજીનામું નહિ આપવાની સ્પષ્ટતા કરી હતી. વડા પ્રધાન જ્હોન્સન વિરુદ્ધ કન્ઝર્વેટિવ પાર્ટીમાં અસંતોષનો સૂર વધી રહ્યો હોવાનું કહેવાય છે.