એડિનબરાઃ સ્કોટિશ નેશનલ પાર્ટી (SNP) અને સ્કોટિશ ગ્રીન પાર્ટીએ ગઠબંધન બનાવતા ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જને સ્કોટિશ પાર્લામેન્ટમાં બહુમતી પ્રાપ્ત કરી લીધી છે. હવે સ્ટર્જન સ્વાતંત્ર્ય માટેના બીજા રેફરન્ડમને આગળ ધપાવવાની તૈયારી કરશે. સ્કોટિશ ગ્રીન પાર્ટી પણ આઝાદીના બીજા રેફરન્ડમને સપોર્ટ કરે છે. ગઠબંધન કરાર હેઠળ બે ગ્રીન સાંસદો સ્કોટિશ સરકારમાં જુનિયર મિનિસ્ટર બનશે. આ સાથે સ્કોટિશ પાર્લામેન્ટમાં શાસક પક્ષોનું સંખ્યાબળ ૭૨ થશે જે બહુમતી માટે જરૂરી ૬૫ની સંખ્યા કરતાં સાત બેઠક વધુ છે.
જોકે, આ સત્તાવાર ગઠબંધન નથી પરંતુ, કરારના આધારે બંને પક્ષો ક્લાઈમેટ ઈમર્જન્સી, ઈકોનોમિક રીકવરી, ચાઈલ્ડ પોવર્ટી, કુદરતી પર્યાવરણ અને ઊર્જા સહિતના ચાવીરૂપ મુદ્દાઓ પર સાથે મળીને કામ કરશે. ગ્રીન પાર્ટીના સાંસદો સ્કોટિશ સરકારને વિશ્વાસમત તેમજ સહભાગી પોલિસી પ્રોગ્રામને યોગ્ય ફંડની ફાળવણી હશે તો વાર્ષિક બજેટમાં પણ ટેકો આપશે. આ કરારના કેન્દ્રમાં બ્યૂટ હાઉસ એગ્રીમેન્ટ તરીકે જાણીતો ડ્રાફ્ટ પોલિસી પ્રોગ્રામ છે જેના હેઠળ બંને પક્ષો કોવિડ-૧૯ મહામારીના અંત પછી વર્તમાન પાર્લામેન્ટરી સત્રમાં જ સ્કોટિશ સ્વાતંત્ર્ય અંગે બીજા રેફરન્ડમ યોજવા કટિબદ્ધ છે.
સ્કોટિશ સરકારની કેબિનેટે સત્તામાં સ્કોટિશ ગ્રીનની ભાગીદારીના સોદાને બહાલી આપી દીધી છે. નવા એગ્રીમેન્ટને હજુ સ્કોટિશ ગ્રીનના સભ્યો અને SNPની નેશનલ એક્ઝિક્યુટિવ કમિટીની બહાલી મળવાની બાકી છે. આ કરાર હેઠળ ગ્રીન્સ યુકેમાં સૌપ્રથમ વખત રાષ્ટ્રીય સરકારમાં સ્થાન હાંસલ કરશે. સ્કોટલેન્ડની ચૂંટણીમાં SNPને બહુમતીમાં એક જ બેઠક ઓછી મળ્યા પછી મે મહિનાથી બંને પક્ષો વાટાઘાટોમાં પરોવાયેલા રહ્યા હતા.
કરારનો મુસદ્દો સ્કોટિશ પાર્લામેન્ટની પ્રથમ બે ટર્મમાં લેબર અને લિબ ડેમ વચ્ચેના કરાર જેવો જ છે જેના હેઠળ જેક મેકકોનેલ ૨૦૦૧-૨૦૦૭ના ગાળામાં ફર્સ્ટ મિનિસ્ટર બન્યા હતા. ન્યૂ ઝીલેન્ડમાં પણ પ્રાઈમ મિનિસ્ટર જેસિન્ડા આર્ડેન અને ન્યૂ ઝીલેન્ડ ગ્રીન્સ વચ્ચે આ પ્રકારની સત્તાની ભાગીદારી ચાલે છે.