લંડનઃ યુકે નોર્ધર્ન આયર્લેન્ડ બાબતે બ્રેક્ઝિટની વ્યવસ્થા એકપક્ષીય રીતે રદ કરી શકે તેની છૂટ આપતા સૂચિત નોર્ધર્ન આયર્લેન્ડ પ્રોટોકલ બિલને હાઉસ ઓફ કોમન્સમાં બીજી વાચનમાં સોમવારે રાત્રે 295 વિરુદ્ધ 221 મતે પસાર કરી દેવાયું હતું. આના કારણ ઈયુ સાથે વેપારયુદ્ધનું જોખમ વધી ગયું છે.
અગાઉ, વડા પ્રધાન જ્હોન્સને કહ્યું હતું કે બિલ ઝડપથી આગળ વધારાશે અને આ વર્ષના અંત સુધીમાં કાયદાનું સ્વરૂપ લઈ લેશે. પૂર્વ વડા પ્રધાન થેરેસા મે સહિત કેટલાક કન્ઝર્વેટિવ બેકબેન્ચર્સ દ્વારા ભારે ટીકા છતાં, નોર્ધર્ન આયર્લેન્ડ પ્રોટોકલ બિલે પહેલો અવરોધ પસાર કરી લીધો હતો. બીજા વાચનના મતદાનમાં બિલની તરફેણમાં 295 અને વિરુદ્ધમાં 221 મત પડ્યા હતા. ફોરેન સેક્રેટરી લિઝ ટ્રસે ‘કાયદેસર અને આવશ્યક’ ગણાવેલી વિવાદિત દરખાસ્તો સાથેના બિલને થેરેસા મેએ ‘બિનજરૂરી અને ગેરકાયદે’ ગણાવ્યું હતું. સામાન્યપણે બેથી ત્રણ સપ્તાહ લાગે છે તેના બદલે આ બિલ માત્ર ત્રણ દિવસમાં કમિટીના તબક્કે પહોંચી જશે.
ફોરેન સેક્રેટરી લિઝ ટ્રસે જણાવ્યું હતું કે બ્રેક્ઝિટ વેપાર વ્યવસ્થાના વિવાદ મુદ્દે તેઓ વાટાઘાટોનો વિકલ્પ પસંદ કરે છે છતાં, ઈયુએ પ્રોટોકોલની ટેક્સ્ટને ફરી ખોલવા ઈનકાર કર્યો હોવાથી ખરડામાં આગળ વધવા સિવાય કોઈ પસંદગી રહી નથી. નોર્ધર્ન આયર્લેન્ડ સેક્રેટરી બ્રાન્ડન લેવિસે કહ્યું હતું કે આ બિલ ગ્રેટ બ્રિટનમાંથી માલસામાનને પ્રવાહ મુક્તપણે નોર્ધર્ન આયર્લેન્ડ પહોંચે તેની ચોકસાઈ માટે છે.