લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સન માટે લોકડાઉન પાર્ટીઝ માથે પડી છે કારણકે મેટ પોલીસે તેમના સહિત ૫૦ વ્યક્તિને પાર્ટીગેટ કૌભાંડ સંદર્ભે પ્રશ્નાવલિ પાઠવી છે. આ સંદર્ભે નંબર ૧૦ દ્વારા જણાવાયું છે કે બોરિસ મેટના પત્રનો જરૂર પ્રમાણે જવાબ વાળશે. ઉલ્લેખનીય છે કે બોરિસે નિયમભંગ કર્યો હોવાનું બહાર આવે તો રાજીનામું આપશે કે કેમ તે જણાવવાનો ઈનકાર કર્યો છે.
વડા પ્રધાન તેમણે કોઈ નિયમભંગ કર્યો હોવાનું નકારી રહ્યા છે અને પોતાના મજબૂત બચાવ માટે કાનૂની સલાહ લઈ રહ્યા હોવાનું પણ કહેવાય છે. જોકે, બળવાખોર ટોરી સાંસદો ખાનગીમાં જણાવે છે કે જે બોરિસે નિયમભંગ કર્યો હોવાનું જાહેર થશે તેમને રાજીનામું આપવાની ફરજ પડાશે. જો પોલીસ દ્હોન્સનને નિયમભંગ બદલ દંડ ફટકારશે તો ટુંક સમયમાં જ નંબર ૧૦માંથી બહાર જવું પડે તે માટે નો કોન્ફિડન્સ વોટનો આગ્રહ રાખવામાં આવે તેવી શક્યતા છે. નંબર ૧૦ના પ્રવક્તાએ એક નિવેદનમાં સ્વીકાર્યું હતું કે વડા પ્રધાનને મેટ્રોપોલીટન પોલીસ પાસેથી ક્વેશ્ચનેર મળી છેઅને તેઓ જરૂર પ્રમાણે પ્રતિભાવ આપશે.
પોલીસ વ્હાઈટહોલમાં લોકડાઉન નિયમોનો ભંગ કરતી કહેવાતી ૧૨ પાર્ટીની તપાસ કરી રહી છે. આમાંથી વડા પ્રધાન છ પાર્ટીમાં હાજર હોવાનું પણ કહેવાય છે. આમાં પ્રથમ લોકડાઉનમાં મે ૨૦૨૦માં ડાઉનિંગ સ્ટ્રીટ ગાર્ડનમાં યોજાએલી કુખ્યાત ‘બ્રિંગ યોર ઓન બૂઝ તેમજ જૂન ૨૦૨૦માં જ્હોન્સનના જન્મદિને તેમની પત્ની કેરી દ્વારા સરપ્રાઈઝ પાર્ટીનો પણ સમાવેશ થાય છે. નિયમભંગના કિસ્સામાં જ્હોન્સનને એક વખતના ૧૦૦ પાઉન્ડનો દંડ થી શકે છે અને ભંગ વધતો જાય તેમ તેમાં વધારો થતો રહે છે.