લંડનઃ પાર્ટીગેટ અંગેના વિવાદની બાબતમાં વડા પ્રધાન બોરિસ જ્હોન્સને કથિતપણે પાર્લામેન્ટ સમક્ષ ઓછામાં ઓછી ચાર વખત કરેલા જૂઠા નિવેદનની સત્તાવાર તપાસ કોમન્સ પ્રિવિલેજીસ કમિટી દ્વારા ચલાવવામાં આવશે. વડા પ્રધાને કમિટી સમક્ષ જવાબો રજૂ કરવાના રહેશે, જેમાં તેઓ નિષ્ફળ જાય તો તેમના પર પાર્લામેન્ટની અવમાનનાનો આરોપ લાગી શકે છે.
લેબર પાર્ટીના સાંસદોએ જ્હોન્સન વિરુદ્ધ તપાસ ઠરાવ પસાર કર્યો છે. જોકે, ટોરીના સભ્યોએ આ ઠરાવનો વિરોધ કર્યો હતો. ટોરી સાંસદોએ ઔપચારિક રીતે વિરોધ ન નોંધાવતાં લેબર સાંસદોએ ઔપચારિક મત વિના જ હકારના ધોરણે આ ઠરાવ પસાર કર્યો હતો, તેથી કેટલા સાંસદોએ તેમાં મત આપ્યો છે તે નિશ્ચિત નથી.
વડા પ્રધાન જ્હોન્સને ચાર વાર સંસદમાં કથિતપણે જણાવ્યું હતું કે, તેમને ડાઉનિંગ સ્ટ્રીટમાં લોકડાઉનના નિયમોનો ભંગ કરનારી પાર્ટીઓની જાણકારી ન હતી. આથી કમિટી વ્હાઇટહોલ એન્ફોર્સર સ્યુ ગ્રેની પણ પૂછપરછ કરી શકે છે. આ સંજોગોમાં વડા પ્રધાન માટે મુશ્કેલ સ્થિતિ સર્જાય તેમ છે, કારણ કે, સ્યુ ગ્રે પાસે એ પાર્ટીગેટની તપાસના સંદર્ભે 300 તસવીરો અને 500જેટલા દસ્તાવેજો મોજૂદ છે. બીજી તરફ, મેટ પોલીસે વડા પ્રધાન, ચાન્સેલર સુનાક સહિત રાજકીય નેતાઓ અને સરકારી અધિકારીઓને પાર્ટી સંદર્ભે ફિક્સ્ડ પેનલ્ટી નોટિસ પાઠવી છે. જ્હોન્સન અને સુનાક સહિતના રાજકારણીઓએ 50 પાઉન્ડની પેનલ્ટી પણ ચૂકવેલી છે.
ઉલ્લેખનીય છે કે, જો વડાપ્રધાન બોરિસ જ્હોન્સન સામેની આ તપાસ સફળ થાય અને તેઓ સંસદની અવમાનના કરવાના આરોપી સાબિત થાય તો તેમને કોમન્સમાંથી પોતાનું સભ્યપદ ગુમાવવાનો વારો આવી શકે છે. અગાઉ 1960માં ડિફેન્સ સેક્રેટરી જ્હોન પ્રોફ્યુમોએ આવી સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. જોકે, મેટ પોલીસે હજી પાર્ટીગેટ અંગે કેસ નોંધવાની કામગીરી પૂર્ણ કરી નથી, તેથી આ કમિટીની તપાસ તાત્કાલિક ધોરણે શરૂ થવાના કોઈ સંકેતો નથી.
દરમિયાન, સ્કોટલેન્ડ યાર્ડ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે, આગામી તા. ૫ મેના રોજ સ્થાનિક ચૂંટણી બાદ પાર્ટીગેટની વધારાની કોઈ બાબતો રજૂ કરવામાં નહિ આવે. પોલીસ આ ઘટના અંગે વડા પ્રધાન સહિતના સંબંધિતોને આગામી બે સપ્તાહમાં પેનલ્ટી વિશે વધુ જણાવી શકે છે.