લંડનઃ કોરોના લોકડાઉન્સમાં વ્હાઈટહોલ અને ડાઉનિંગ સ્ટ્રીટમાં પાર્ટીઓ યોજી નિયમોના ભંગના પાર્ટીગેટ કૌભાંડમાં મેટ્રોપોલીટન પોલીસે 126 લોકોને ફિક્સ્ડ પેનલ્ટી નોટિસો (FPN) મોકલવા સાથે ‘ઓપરેશન હિલમેન’ તપાસના અંતની જાહેરાત કરી છે. વડા પ્રધાન બોરિસ જ્હોન્સનને બીજી નોટિસ મોકલાઈ ન હોવાનું ડાઉનિંગ સ્ટ્રીટ દ્વારા જણાવાયું હતું. પોલીસ તપાસના અંત સાથે સિવિલ સર્વિસ ઈન્વેસ્ટિગેટર સ્યૂ ગ્રે દ્વારા પાર્ટીગેટ કૌભાંડની તપાસના સંપૂર્ણ રિપોર્ટની પ્રસિદ્ધિનો માર્ગ મોકળો થયો છે.
મેટ્રોપોલીટન પોલીસે જણાવ્યું છે કે પાર્ટીની 8 ઘટનામાં 73 મહિલા અને 83 પુરુષ સહિત કુલ 126 વ્યક્તિને FPN મોકલવામાં આવી છે. ઘણી વ્યક્તિને દંડની એકથી વધુ નોટિસ જારી કરાઈ છે. પોલીસે કોને પેનલ્ટી નોટિસ મોકલાઈ છે તેની ઓળખ આપી નથી પરંતુ, સ્પષ્ટ કર્યું છે કે વડા પ્રધાન અને તેમના પત્ની કેરીને વધુ નોટિસ મોકલાઈ નથી. ઉલ્લેખનીય છે કે અગાઉ, જ્હોન્સન, કેરી અને ચાન્સેલર રિશિ સુનાકને એક પેનલ્ટી નોટિસ મોકલાઈ હતી જેનો દંડ ભરી દેવાયો હતો.
વર્ષ 2020માં વડા પ્રધાનના જન્મદિન 20 મેએ ડાઉનિંગ સ્ટ્રીટની ગાર્ડન પાર્ટી, 13 નવેમ્બર, 17 ડિસેમ્બર અને 18 ડિસેમ્બરની ક્રિસમસ પાર્ટી, વર્ષ 2021ની 14 જાન્યુઆરી અને 16 એપ્રિલના પાર્ટી ઈવેન્ટમાં જોડાવા બદલ દંડ ફટકારાયો છે. મેટ પોલીસે જણાવ્યું હતું કે પાર્ટીગેટ તપાસમાં 12 પૂર્ણકાલીન અધિકારી સામેલ થયા હતા અને કુલ તપાસખર્ચ આશરે 460,000 પાઉન્ડ થયો છે.