લંડનઃ લોકડાઉનના ગાળામાં ડાઉનિંગ સ્ટ્રીટ્સની પાર્ટીઓ સંદર્ભે બોરિસ જ્હોન્સનને વધુ ફિક્સ્ડ પેનલ્ટી નોટિસ અપાય તો તેમણે વડા પ્રધાન તરીકે રાજીનામું આપવું જોઈએ તેમ લગભગ બે તૃતીઆંશ (63 ટકા) બ્રિટિશરો માને છે. મેટ પોલીસે બોરિસ જ્હોન્સને લોકડાઉન નિયમોનો ભંગ ક્યો હોવાનું જણાવી 50 પાઉન્ડની પેનલ્ટી લગાવી છે જેની ચૂકવણી કરી દેવાઈ છે. આ જ રીતે, 55 ટકા લોકોએ ચાન્સેલર સુનાકે રાજીનામું આપવું જોઈએ તેમ જણાવ્યું હતું. 51 ટકા બ્રિચિશરોએ જ્હોન્સન અને સુનાકે લોકડાઉન નિયમોનો એકસરખો ભંગ કર્યો છે જ્યારે 19 ટકાનું માનવું છે કે સુનાક કરતાં જ્હોન્સને વધુ વખત નિયમભંગ કર્યો છે.
આ પેનલ્ટી જ્હોન્સનના જન્મદિને કેબિનેટ રુમમાં જૂન 19, 2020ના દિવસે યોજાએલી પાર્ટી સંદર્ભે હતી. પાર્ટીમાં હાજર ચાન્સેલર રિશિ સુનાક અને જ્હોન્સનના પત્ની કેરીને પણ પેનલ્ટી લગાવાઈ હતી. જોકે, જ્હોન્સન તપાસ હેઠળની બાકીની 11 પાર્ટીમાંથી ઓછામાં ઓછી 5 પાર્ટીમાં હાજર રહ્યા હોવાનું કહેવાય છે.
ધ ટાઈમ્સ માટે YouGov દ્વારા કરાયેલા પોલમાં 63 ટકા લોકોએ જણાવ્યું હતું કે હવે ફરીથી દંડ કરાય તો વડા પ્રધાને રાજીનામું આપવું જોઈએ. 2019ની ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીને મત આપનારા 36 ટકા લોકોએ પણ વડા પ્રધાનને વધુ વખત પેનલ્ટી કરાય તો તેમણે રાજીનામું આપવું જોઈએ તેવો મત દર્શાવ્યો હતો. આની સામે 2019ના કન્ઝર્વેટિવ પાર્ટીના 49 ટકા મતદારોએ કહ્યું હતું કે ગમે તેટલી વખત દંડ કરાય તો પણ જ્હોન્સને હોદ્દા પર ચાલુ રહેવું જોઈએ. જ્હોન્સનના બચાવ માટે ઘણી ઓછી સહાનુભૂતિ છે. નિયમ તૂટી રહ્યો હોવાનું સમજાયું ન હતું તેવા બચાવને 76 ટકા લોકો ખોટો ગણાવે છે.
બીજી તરફ, પાર્ટીગેટ વિવાદથી અળગા રહેવાના ચાન્સેલર સુનાકના પ્રયાસ નિષ્ફળ રહ્યા છે કારણકે મીટિંગ માટે આવવા દરમિયાન થોડો સમય જ પાર્ટીમાં હાજર રહ્યાના દાવા છતાં, 55 ટકા લોકોએ સુનાકના રાજીનામાની તરફેણ કરી હતી