લંડનઃ કન્ઝર્વેટિવ સાંસદ અને પૂર્વ મિનિસ્ટર જેમ્સ બ્રોકેનશાયરનું ફેફસાના કેન્સરનું નિદાન કરાયા પછી ૭ ઓક્ટોબર, ૨૦૨૧ના રોજ ૫૩ વર્ષની વયે અવસાન થયું હતું. કેન્સરની સારવાર મેળવવા તેમણે થોડા સમય અગાઉ જ હોમ ઓફિસના સિક્યુરિટી અને ઈમિગ્રેશન મિનિસ્ટરના હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું.
જેમ્સ બ્રોકેનશાયરના અવસાન પછી વડા પ્રધાન બોરિસ જ્હોન્સન અને તેમના પત્ની કેરી જ્હોન્સન, પૂર્વ વડા પ્રધાન થેરેસા મે, પૂર્વ ચાન્સેલર ફિલિપ હેમન્ડ, ચાન્સેલર રિશિ સુનાક, લેબરનેતા સર કેર સ્ટાર્મર સહિતના રાજકારણીઓએ તેમને અંજલિ અર્પી હતી. બ્રોકેનશાયરે ઓગસ્ટ મહિનામાં તેમનું ફેફસાનું કેન્સર ઘણું આગળ વધી ગયાની જાહેરાત કરી હતી.
બ્રોકેનશાયર સૌપ્રથમ ૨૦૦૫-૧૦ સુધી હોર્નચર્ચના અને તે પછી ૧૧ વર્ષથી ઓલ્ડ બેક્સલી અને સિડકપના સાંસદ હતા. તેમણે નોર્ધર્ન આયર્લેન્ડ ઓફિસમાં સેક્રેટરી ઓફ સ્ટેટ તેમજ હાઉસિંગ, કોમ્યુનિટીઝ એન્ડ લોકલ ગવર્મેન્ટ મિનિસ્ટ્રીમાં પણ મિનિસ્ટર તરીકે કામગીરી બજાવી હતી.