લંડન
જો લિઝ ટ્રસ નવા વડાંપ્રધાન બનશે તો પ્રધાનમંડળમાંથી પ્રીતિ પટેલ સહિતના ટોચના ટોરી પ્રધાનોની બાદબાકી કરી નાખશે. લિઝ ટ્રસ હાલના નાયબ વડાપ્રધાન ડોમિનિક રાબ, આરોગ્ય મંત્રી સ્ટીવ બાર્કલે, પર્યાવરણ મંત્રી જ્યોર્જ યુસ્ટિસ અને હાઉસ ઓફ કોમન્સમાં પાર્ટીના નેતા માર્ક સ્પેન્સરની બાદબાકી કરી નાખશે તેવા અહેવાલો પ્રાપ્ત થયાં છે. વડાપ્રધાનપદની રેસમાં લિઝ ટ્રસને પડકાર આપી રહેલા રિશી સુનાકને પણ નવી કેબિનેટમાં સામેલ થવાનું આમંત્રણ નહીં અપાય. માઇકલ ગોવે ગયા સપ્તાહમાં જ જાહેરાત કરી હતી કે તેઓ રાજનીતિમાં અગ્રીમ ભુમિકાઓ ભજવવાનું બંધ કરશે. એમ કહેવાય રહ્યું છે કે તેમનું કદ પણ વેતરી નંખાશે. ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શેપ્સની ખુરશી પર પણ જોખમ તોળાઇ રહ્યું છે. લિઝ ટ્રસ ઓછામાં ઓછા 15 મંત્રીઓની હકાલપટ્ટી કરે તેવી સંભાવના છે. તેમની કેબિનેટમાં સુએલા બ્રેવરમેન, કેમી બેડનોક જેવા નેતાઓને સ્થાન અપાય તેવી સંભાવના છે.
નવી સરકારમાં હોમ સેક્રેટરી જ રહેવા માગુ છું – પ્રીતિ પટેલ
બ્રિટનમાં નવી ટોરી સરકારમાં પોતાના સ્થાન અંગે પૂછાયેલા એક સવાલના જવાબમાં હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે, હું હોમ સેક્રેટરી તરીકે ફરજ બજાવવાનું પસંદ કરીશ પરંતુ પસંદગીનો આધાર નવા નેતા પર રહેલો છે. અમારી પાર્ટી અપરાધમાં ઘટાડો કરવા અને 20,000થી વધુ નવા પોલીસ અધિકારીઓની નિયુક્તિ કરવાના સ્પષ્ટ વચન સાથે સત્તામાં આવી હતી અને મને લાગે છે કે મારી કામગીરી જ મારી યોગ્યતાનો પુરાવો છે. બ્રિટન અને વિશેષ કરીને લંડનમાં વધી રહેલી હિંસા પર તેમણે જણાવ્યું હતું કે, જ્યારે લોકોની હત્યા થાય છે ત્યારે તમારી કામગીરી પર સવાલો સર્જાય છે. આગામી વડાપ્રધાન અંગેના સવાલ પર તેમણે જણાવ્યું હતું કે, મારે તેની સાથે કોઇ લાગતું વળગતું નથી. હું ફક્ત મારી કામગીરી કરી રહી છું.
કોના હોદ્દા પર કાતર ફરશે?
ડોમનિક રાબ – ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર
સ્ટીવ બાર્કલે – હેલ્થ સેક્રેટરી
જ્યોર્જ યુસ્ટિસ – એન્વાયરમેન્ટ સેક્રેટરી
પ્રીતિ પટેલ – હોમ સેક્રેટરી
ગ્રાન્ટ શેપ્સ – ટ્રાન્સપોર્ટ સેક્રેટરી
રિશી સુનાક – પૂર્વ ચાન્સેલર
માર્ક સ્પેન્સર – ટોરી નેતા, હાઉસ ઓફ કોમન્સ