લંડનઃ લેબર પાર્ટીએ તેની નેશનલ એક્ઝિક્યુટિવ કમિટી (NEC)ના સભ્ય હોવાર્ડ બેકેટને હોમ સેક્રેટરી ‘પ્રીતિ પટેલને દેશનિકાલ કરવા જોઈએ’ની ટ્વીટ કરવા બદલ પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા હતા. બેકેટ યુનાઈટ ટ્રેડ યુનિયનની નેતાગીરી માટે લેબર પાર્ટીના ઉમેદવાર પણ હતા. યુનિયનના આસિસ્ટન્ટ જનરલ સેક્રેટરી બેકેટે ભારે ટીકાઓના પગલે માફી માગી ટ્વીટને દૂર કર્યું હતું.
ગ્લાસગોમાં બે એસાઈલમ સીકર્સને ડિપોર્ટ કરવાના હોમ ઓફિસના પ્રયાસના પગલે લેબર પાર્ટીના નેશનલ એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય હોવાર્ડ બેકેટે ટ્વીટ કર્યું હતું કે,‘ રેફ્યુજીસને નહિ, પ્રીતિ પટેલને ડિપોર્ટ કરવા જોઈએ. સંસ્થાગત રેસિઝમને સમર્થન આપતા કોઈની પણ સાથે તેઓ જઈ શકે છે. તેઓ ઘૃણાસ્પદ છે.’ આ ટ્વીટ અંગે પૂછવામાં આવતા લેબર પ્રવક્તાએ જણાવ્યું હતું કે ‘લેબર પાર્ટી આવા આક્ષેપોને ભારે ગંભીરતાથી લે છે અને યોગ્ય પગલાં લેવાશે.’ આ પછી બેકેટને સસ્પેન્ડ કરાયાના અહેવાલ આવ્યા હતા.
લેબરની NEC અને યુનાઈટ યુનિટનના પણ સભ્ય ગુરિન્દર સિંહ જોસાને પ્રતિભાવમાં લખ્યું હતું કે,‘હોવાર્ડ અસલી રંગ દર્શાવી રહ્યા છે? હું પ્રીતિ પટેલની ઘણી બાબતો મુદ્દે સંપૂર્ણ અસંમત છું પરંતુ, આ તો રંગીન ત્વચાની મહિલા વિરુદ્ધ ઘૂરકિયાં છે. આને હાલ જ રદ કરો!’ આ પછી, બેકેટે ટ્વીટ કર્યું હતું કે ‘મારો શબ્દાર્થ આવો ન હતો. મારો ઈરાદો રેસિસ્ટ પોલિટિક્સને જાકારો આપવો જોઈએ અને સમાજમાં તેનું સ્થાન ન હોવું જોઈએ. તેમ કહેવાનો હતો. મારા શબ્દો ખોટા, આક્રમક હતા અને હું પ્રીતિ પટેલની માફી ચાહું છું.’