લંડન
પૂર્વ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ રિશી સુનાકની વડાપ્રધાનપદેતાજપોશી થયા બાદ પાર્ટીના સભ્યોના સશક્તિકરણ અને પાર્ટીમાં લોકશાહીની પુનઃસ્થાપના માટે એક નવા કન્ઝર્વેટિવ અભિયાનનું નેતૃત્વ કરી રહ્યા છે. કન્ઝર્વેટિવ ડેમોક્રેટિક ઓર્ગેનાઇઝેશન નામના આ ગ્રુપને બિલિયોનર ટોરી ડોનર લોર્ડ ક્રુડ્ડાસનું સમર્થન હાંસલ છે. તેમને આ ગ્રુપના પ્રમુખ અને ટ્રેઝરર બનાવાયા છે. પાર્ટીનું નિયંત્રણ ફરી એકવાર કાર્યકરોના હાથમાં આવે અને પાર્ટી ફરી તેની સેન્ટર રાઇટની વિચારધારા પર પાછી ફરે તે માટે કન્ઝર્વેટિવ ડેમોક્રેટિક ઓર્ગેનાઇઝેશન દ્વારા અભિયાન ચલાવાશે.
આ ગ્રુપે જે રીતે પાર્ટીના કાર્યકરોના મતદાન વિના જ રિશી સુનાકની વડાપ્રધાનપદે નિયુક્તિ કરાઇ તે અંગે ચિંતાઓ વ્યક્ત કરી છે. પુરતા ટોરી સાંસદોનું સમર્થન ન મળવાના કારણે સુનાકના એકમાત્ર હરીફ એવા પેની મોરડૌન્ટ સ્પર્ધામાંથી ખસી જતાં રિશી સુનાક આપોઆપ વડાપ્રધાન બની ગયા હતા. આ પહેલાં ટોરીના કાર્યકરોએ રિશી સુનાકની સામે લિઝ ટ્રસને ચૂટી કાઢ્યા હતા. તેમ છતાં સાંસદોએ લિઝ ટ્રસને રાજીનામુ આપવાની ફરજ પાડી હતી.
લોર્ડ ક્રુડ્ડાસે આરોપ મૂક્યો હતો કે કન્ઝર્વેટિવ પાર્ટીમાં આંતરિક લોકશાહી મરણપથારી પરછે. ટોરી સભ્યોનો ઉપયોગ હવે મગજ વિનાના ડ્રોનની જેમ કરવામાં આવી રહ્યો છે. પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે, અમારા પાયાના કાર્યકરો જ પાર્ટીનો આત્મા છે. તેઓ કન્ઝર્વેટિવ મતો માટે અથાક પરિશ્રમ કરતા હોય છે. તેમને હળવાશથી લેવા જોઇએ નહીં.