લંડનઃ લેબર પાર્ટીએ નજીવા તફાવતે બેટલી એન્ડ સ્પેનની સંસદીય બેઠકને જાળવી રાખતા પાર્ટીનેતા સર કેર સ્ટાર્મર શરમમાંથી બચી ગયા છે. હત્યા કરાયેલાં લેબર સાંસદ જો કોક્સની બહેન કીમ લીડબીટરે માત્ર ૩૨૩ મતથી ટોરી પાર્ટીના રાયન સ્ટીફન્સને પેટાચૂંટણીમાં પરાજય આપ્યો હતો. કટ્ટર ડાબેરી બળવાખોર જ્યોર્જ ગેલોવેએ મુસ્લિમ મતોનું વિભાજન કરવાનો પ્રયાસ કર્યો હતો. લેબર ઉમેદવાર લીડબીટરને ૧૩,૨૯૬, કન્ઝર્વેટિવ રાયન સ્ટીફન્સનને ૧૨,૯૭૩, વર્કર્સ પાર્ટીના જ્યોર્જ ગેલોવેને ૮,૨૬૪ તેમજ લિબડેમના થોમસ ગોર્ડનને ૧,૨૫૪ મત મળ્યા હતા.
કન્ઝર્વેટિવ પાર્ટીએ હર્ટલપૂલ પેટાચૂંટણીમાં લેબરની બેઠક આંચકી લીધા તેમજ લેબરના કાઉન્સિલની ચૂંટણીઓમાં રકાસ પછી બેટલી એન્ડ સ્પેનની બેઠક મેળવી લીધી હોત તો સર સ્ટાર્મરની નેતાગીરીને પડકાર મળવાનું સંપૂર્ણ જોખમ હતું. જોકે, કીમ લીડબીટરે ૩૨૩ મતની નજીવી સરસાઈથી ટોરી ઉમેદવાર સ્ટીફન્સનને પરાજિત કરી બેઠક જાળવી રાખી હતી.
વિજેતા મિસિસ લીડબીટરે પરિણામો પછી હડર્સફિલ્ડમાં કેથેડ્રલ હાઉસ ખાતે બોલતાં મતદારોનો તેમજ ડાબેરી બળવાખોર ઉમેદવાર ગેલોવેના સમર્થકોની ધાકધમકી સામે યોર્કશાયર પોલીસે આપેલા રક્ષણનો આભાર માન્યો હતો. ઈયુ રેફરન્ડમ પછી બેટલી એન્ડ સ્પેનના સાંસદ મિસિસ જો કોક્સની ૨૦૧૬ જૂનમાં કટ્ટર જમણેરી દ્વારા હત્યા કરાઈ હતી.
ટોરી ઉમેદવાર રાયન સ્ટીફન્સને ભારે લડત આપી હતી. આ બેઠક પર મુસ્લિમ વર્ગ બહુમતી ધરાવે છે અને લેબર પાર્ટીથી તે નારાજ હોવાનું મનાતું હોવાથી ટોરી પાર્ટી માટે વિજયની તક ઉભી થઈ હતી. જોકે, કન્ઝર્વેટિવ પાર્ટીના કો-ચેરમેન અમાન્ડા મિલિન્ગે સ્વીકાર્યું હતું કે ચૂંટણીપ્રચાર દરમિયાન પૂર્વ હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકના લગ્નેતર સંબંધ પણ ચર્ચાનો મુદ્દો બન્યો હતો.