લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ધરખમ ફેરફાર કરી ત્રણ મિનિસ્ટર્સ- એજ્યુકેશન સેક્રેટરી ગાવિન વિલિયમસન, જસ્ટિસ સેક્રેટરી રોબર્ટ બકલેન્ડ, હાઉસિંગ સેક્રેટરી રોબર્ટ જેનરિક અને ટોરી પાર્ટી ચેરમેન અમાન્ડા મિલિંગને તેમની કેબિનેટમાંથી દૂર કર્યા હતા. અફઘાનિસ્તાનના મુદ્દે ગાફેલ રહેનારા ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબને હોદ્દા પરથી ખસેડી જસ્ટિસ સેક્રેટરીનું ઓછું મહત્ત્વનું પદ સોંપાયું હતું. અમાન્ડા મિલિંગના અનુગામી ટોરી પાર્ટી ચેરમેન ઓલિવર ડાઉડેને સંભવિત બે વર્ષમાં નવી ચૂંટણી માટે તૈયારી કરવાનો સંકેત પણ પાઠવી દીધો હોવાથી ચૂંટણી વહેલી થઈ શકે છે. નાધિમ ઝાહાવીને એજ્યુકેશન સેક્રેટરી,માઈકલ ગોવને હાઉસિંગ સેક્રેટરી, લિઝ ટ્રસને ફોરેન સેક્રેટરી અને નાદિન ડોરિસને કલ્ચર સેક્રેટરી બનાવાયાં છે. આ ઉપરાંત, એન-મેરી ટ્રેવેલિયાનને નવા ઈન્ટરનેશનલ ટ્રેડ સેક્રેટરીનો કાર્યભાર સોંપાયો છે.
ચૂંટણી વહેલી યોજાવાની અટકળોને વેગ
વડા પ્રધાન જ્હોન્સને પોતાની નવી ટીમમાં કરેલા ધરખમ ફેરફારોના પગલે વહેલી સામાન્ય ચૂંટણીની અટકળોને હવા મળી છે. નવા ટોરી પાર્ટી ચેરમેન ઓલિવર ડાઉડેને પોતાના સ્ટાફને આગામી બે વર્ષમાં ફરી મતદાન માટે તૈયાર થઈ જવાનું આહ્વાન કરવાથી વહેલી ચૂંટણી થશે તેવી અટકળોને વેગ મળ્યો હતો. બે કલાકની કત્લેઆમમાં જ્હોન્સને ચાર ટોપ મિનિસ્ટર્સને રુખસદ આપી હતી અને ડોમિનિક રાબનું મહત્ત્વ ઘટાડી દીધું હતું. નોંધપાત્ર બાબત એ રહી છે કે નાણાકીય ખર્ચા સહિતની બાબતોમાં મતભેદ હોવાં છતાં, રિશિ સુનાકને ભારે અટકળોથી વિપરીત ચાન્સેલર તરીકે જાળવી રખાયા છે. આ જ રીતે હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ, હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદ, બિઝનેસ સેક્રેટરી ક્વાસી ક્વારટેંગ, ડિફેન્સ સેક્રેટરી બેન વોલેસ અને ચીફ વ્હિપ માર્ક સ્પેન્સર માટે વડા પ્રધાનનો વિશ્વાસ યથાવત રહ્યો છે.
મિડલ અને જુનિયર મિનિસ્ટર્સ પણ બદલાયા
કેબિનેટમાં ધરખમ ફેરફારોના પગલે જ્હોન્સને સરકારના જુનિયર મિનિસ્ટર્સને બદલવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. મધ્ય અને જુનિયર રેન્ક્સમાં મહિલાઓને વધુ સ્થાન અપાયું છે. આ રીશફલિગમાં નવ મિડલ અને જૂનિયર કક્ષાના મિનિસ્ટર્સને દૂર કરાયા હતા. કલ્ચર મિનિસ્ટર કેરોલીન ડિનેનેજ, સ્કૂલ્સ મિનિસ્ટર નિક ગિબ, કલ્ટર મિનિસ્ટર જ્હોન વ્હીટિંગડેલ, ટ્રેઝરી મિનિસ્ટર જેસી નોર્મન, મિનિસ્ટર ફોર ડિસેબલ્ડ જસ્ટિન ટોમાલિસન, લોકલ ગવર્મેનટ મિનિસ્ટર લ્યૂક હોલ, એક્સપોર્ટ મિનિસ્ટર ગ્રેહામ સ્ટુઅર્ટ, મિનિસ્ટર ફોર આફ્રિકા જેમ્સ ડડરિજ, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિનિસ્ટર મેટ વોરમાનને હોદ્દાઓ પરથી દૂર કરાયા હતા.
મિસ પની મોરડૌન્ટને પેમાસ્ટર જનરલના હોદ્દા પરથી દૂર કરી ટ્રેડ મિનિસ્ટર, એલેક્સ ચોકને સોલિસીટર જનરલ જ્યારે, પૂર્વ સોલિસીટર જનરલ માઈકલ એલિસને પેમાસ્ટર જનરલ બનાવાયા છે. આ ઉપરાંત, નિલ ઓ‘ બ્રિઆનને હાઉસિંગ મિનિસ્ટ્રીમાં, લી રાઉલીને બિઝનેસ મિનિસ્ટર, બેરિસ્ટર વિક્ટોરિયા એટકિન્સને જસ્ટિસ મિનિસ્ટ્રીમાં પ્રિઝન મિનિસ્ટર અને અફઘાન રીસેટલમેન્ટની દેખરેખ, બેરિસ્ટર લ્યૂસી ફ્રેઝરને ટ્રેઝરી મિનિસ્ટ્રીમાં ફાઈનાન્સિયલ સેક્રેટરી, ગિલિયન કીગનને હેલ્થ મિનિસ્ટ્રીમાં કેર મિનિસ્ટર, હેલન વ્હેટલીને ટ્રેઝરીમાં, ચોલે સ્મિથને મિનિસ્ટર ફોર ડિસેબલ્ડ, મેગી થોરપને વેક્સિન મિનિસ્ટર, ટ્રુડી હેરિસનને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર, કોનર બર્ન્સને નોર્ધન આયર્લેન્ડ મિનિસ્ટર તેમજ અમાન્ડા સોલોવેને સરકારી વ્હિપ તરીકે પ્રમોશન મળ્યાં છે.
કેબિનેટમાં શું ફેરબદલ કરાયા?
• વેક્સિન્સ મિનિસ્ટરની સારી કામગીરી બદલ નાધિમ ઝાહાવીને એજ્યુકેશન સેક્રેટરીનો હોદ્દો સોંપાયો છે અને ગાવિન વિલિયમસનને કેબિનેટમાંથી રુખસદ અપાઈ છે.• અફઘાનિસ્તાન મુદ્દે વિદેશનીતિમાં ગરબડ કરનારા ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબને પદ પરથી હટાવી જસ્ટિસ સેક્રેટરીનું સ્થાન સોંપાયું છે જ્યારે રોબર્ટ બકલેન્ડને જસ્ટિસ વિભાગમાંથી રુખસદ મળી છે.• રોબર્ટ જેનરિકને કેબિનેટમાંથી દૂર કરી માઈકલ ગોવને હાઉસિંગ સેક્રેટરીનો કાર્યભાર સોંપાયો છે. • અમાન્ડા મિલિંગને ટોરી પાર્ટી ચેરમેન પદેથી દૂર કરીને ફોરેન ઓફિસનો કાર્યભાર સોંપાયો છે.• લિઝ ટ્રસને ફોરેન સેક્રેટરી બનાવાયા છે. પૂર્વ બ્રેક્ઝિટ સેક્રેટરી સ્ટીવ બાર્કલે ચાન્સેલર ઓફ ડચી ઓફ લેન્કેસ્ટર તરીકેનું સ્થાન સંભાળશે• ઓલિવર ડાઉડેનને ટોરી પાર્ટીના ચેરમેન બનાવાયા છે અને તેમના સ્થાને નાદિન ડોરિસને કલ્ચર સેક્રેટરીનો હોદ્દો સોંપાયો છે.• આ ઉપરાંત, એન-મેરી ટ્રેવેલિયાનને નવા ઈન્ટરનેશનલ ટ્રેડ સેક્રેટરીનો કાર્યભાર સોંપાયો છે.