લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સનના પૂર્વ મુખ્ય સહાયક ડોમિનિક કમિંગ્સે કોવિડ મહામારીના અરાજકતાપૂર્ણ અને અકાર્યક્ષમ પ્રતિભાવ મુદ્દે ચાબખા મારતા કહ્યું હતું કે બોરિસ જ્હોન્સન વડા પ્રધાન થવાને લાયક નથી. ગત બુધવાર, ૨૬ મેએ વેસ્ટમિન્સ્ટર ખાતે સાંસદો સમક્ષ સાત કલાક લાંબી જુબાનીમાં કમિંગ્સે સરકારના વલણની આકરી ટીકા કરવા સાથે દોષનો ટોપલો વડા પ્રધાન જ્હોન્સન અને હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકના માથે ઢોળ્યો હતો.જોકે, મિનિસ્ટર્સે કમિંગ્સના દાવાઓને ફગાવી દીધા હતા
વડા પ્રધાન મહામારીના ગાળામાં દેશનું નેતૃત્વ સંભાળવા માટે યોગ્ય વ્યક્તિ હતા તેવા પ્રશ્નના ઉત્તરમાં કમિંગ્સે ’ના’ કહી હતી. હકાલપટ્ટી કરાયેલા સહાયકે જણાવ્યું હતું કે વડા પ્રધાન પરિસ્થિતિની ગંભીરતા સમજવામાં નિષ્ફળ નીવડ્યા હતા અને લોકડાઉન્સનો વિરોધ કર્યો હતો જેના પરિણામે, જેમના મોત થવા જોઈતા ન હતા તેવા હજારો લોકોના મોત નીપજ્યા હતા. કમિંગ્સે જ્હોન્સનને મીડિયા સાથે વળગણ ધરાવનારા ગણાવી વારંવાર ગુંલાટ મારનાર વ્યક્તિ તરીકે ઓળખાવ્યા હતા.
કમિંગ્સે પોતાની નિષ્ફળતાઓ પણ સ્વીકારવા સાથે જણાવ્યું હતું કે સાચું તો એ હતું કે આવી કટોકટીમાં જનતાને પોતાની સરકાર પાસેથી જેવી અપેક્ષાઓ હોય તેવા માપદંડોમાંથી પાર ઉતરવામાં સીનિયર મિનિસ્ટર્સ, સીનિયર અધિકારીઓ અને મારા જેવા સીનિયર સલાહકારો તદ્દન ઉણાં ઉતર્યા હતા.
કમિંગ્સે આક્ષેપો કર્યા હતા કે હેનકોક વારંવાર સાથીઓ સાથે જુઠું બોલતા હતા જેના કારણે કેબિનેટ સેક્રેટરી અને કમિંગ્સે હેલ્થ સેક્રેટરીની હકાલપટ્ટી કરવા જ્હોન્સનને અનુરોધ કર્યો હતો. કમિંગ્સે જ્હોન્સનને એમ બોલતા સાંભળ્યા હતા કે,‘ત્રીજુ લોકડાઉન લાદવા કરતા તેઓ લાશોના ઊંચા ઢગલા જોવાનું પસંદ કરશે.’ જોકે, જ્હોન્સને કોમન્સમાં પોતે આમ કહ્યું હોવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. કમિંગ્સે કહ્યું હતું કે સરકાર મહામારીનો સામનો કરવા જરા પણ તૈયાર ન હતી. તેણે એવો આક્ષેપ પણ કર્યો હતો કે વડા પ્રધાનની ફિયાન્સી કેરી સિમોન્ડ્સ પોતાના મિત્રોને નોકરીઓ અપાવવા માટે ભરતીના નિર્ણયોમાં દખલગીરી કરતી હતી જે ‘અનૈતિક’ અને ‘ગેરકાયદે’ હતું.
તેણે કહ્યું હતું કે વડા પ્રધાને અવારનવાર રોગની ગંભીરતાને ખંખેરી નાખી હતી અને તેને ભયભીત કરનારી કથા ગણાવી હતી. તેણે એમ પણ કહ્યું કે અધિકારીઓ ઈરાદાપૂર્વક જ્હોન્સનને ઈમર્જન્સી કોબ્રા મીટિંગ્સથી દૂર રાખતા હતા જેથી વાઈરસના સામનાના પ્રતિભાવમાં અવરોધ પેદા ન કરે. પૂર્વ બોસ જ્હોન્સનના હાથે તેની સાથે જે વ્યવહાર કરવામાં આવ્યો તેનાથી કમિંગ્સમાં ભારે કડવાશ વ્યાપી છે પરંતુ, એક હકીકત છે કે મહામારીના શિખરકાળમાં જાહેર એવિડન્સીસ આપનારા નંબર-૧૦ના ચાવીરુપ લોકોમાં તે એક છે.