લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સન સત્તા જાળવી રાખે તેમ માનનારા લોકોની સરખામણીએ તેમનું રાજીનામું માગનારાની સંખ્યા વધી છે. ઓબ્ઝર્વર માટે ૨૦૨૧ના સૌપ્રથમ ઓપિનિયમ સર્વેમાં ૪૩ ટકાએ જ્હોન્સને રાજીનામું આપવું જોઈએ તેવો અને ૪૦ ટકાએ તેણે સત્તા પર રહેવું જોઈએ તેવો મત દર્શાવ્યો હતો. ઓપિનિયમ દ્વારા ૬ અને ૭ જાન્યુઆરીએ ૨,૦૦૩ વ્યક્તિનો ઓનલાઈન મત લેવાયો હતો.
ઓપિનિયમ પોલમાં મોટા બાગના કન્ઝર્વેટિવ મતદારો (૮૭ ટકા)એ જણાવ્યું હતું કે જ્હોન્સને નેતાપદે રહેવું જોઈએ જ્યારે માત્ર ૭ ટકાએ તેમના રાજીનામાની માગણી કરી હતી. માત્ર ૨૦ ટકાએ સર કેર સ્ટાર્મરે લેબર પાર્ટીના નેતાપદેથી રાજીનામું આપવું જોઈએ અને ૫૨ ટકાએ નેતાપદે ચાલુ રહેવું જોઈએ તેમ જણાવ્યું હતું. સરકારે કોરોના વાઈરસ કટોકટીને જે રીતે હાથ ધરી છે તેના કારણે તેની થોડી લોકપ્રિયતા ઘટી છે. આશરે ૭૨ ટકા (ગત પોલ કરતાં ૪ ટકા વધુ)નું કહેવું હતું કે સરકારે પૂરતી ઝડપી કાર્યવાહી કરી નથી અને ૪૨ ટકા (ગત પોલ કરતાં ૪ ટકા વધુ)નું માનવું છે કે ચોક્કસપણે ઝડપી કાર્યવાહી કરી નથી.
લોકો સાવધાનીની તરફેણ કરી રહ્યા છે. પાંચમાંથી ત્રણ કરતાં વધુ (૬૪ ટકા) લોકોએ ઝડપથી લોકડાઉન પગલાં અમલી બનાવે તેવી સરકારની તરફેણ કરી હતી જ્યારે ૨૫ ટકાએ કહ્યું હતું કે લોકડાઉનના પગલાં લેવાં ન પડે તેવી રીતે પ્રયાસ કરતી સરકારની તરફેણ કરી હતી.
જ્હોન્સનની લોકપ્રિયતા સમગ્રતયા ઘટી છે. તેઓ ૩૭ ટકામાં પસંદગીપાત્ર છે જ્યારે ૪૫ ટકા તેમને પસંદ કરતા નથી. લેબર પાર્ટી એક પોઈન્ટના તફાવતથી (૪૦ ટકા વિરુદ્ધ ૩૯ ટકા) કન્ઝર્વેટિવ કરતાં આગળ છે. લિબ ડેમ્સને ૬ ટકા, SNPને ૫ ટકા અને ગ્રીન્સને ૪ ટકા મત મળ્યા હતા.