લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સન પણ પ્રથમ કોવિડ લોકડાઉનમાં ઈન્ડોર સામાજિક મેળમિલાપ પર પ્રતિબંધ કતો ત્યારે ૧૦, ડાઉનિંગ સ્ટ્રીટમાં યોજાએલી પાર્ટીમાં હાજર હોવાનો ઘટસ્ફોટ થયો છે.
ધ ઈન્ડિપેન્ડન્ટ અને ગાર્ડિયનના સંયુક્ત તપાસ અહેવાલ મુજબ ગયા વર્ષે ૧૫ મેએ લગભગ ૨૦ સિવિલ સિવિલ સર્વન્ટ્સ અને સલાહકારોએ ૧૦, ડાઉનિંગ સ્ટ્રીટ અને તેના ગાર્ડનમાં ડ્રિન્ક્સ પાર્ટી યોજી હતી. વડા પ્રધાને પાર્ટીમાં હાજર એક વ્યક્તિને કહ્યું હતું કે વાઈરસને મારી હઠાવવા માટે તેઓ એક ડ્રિન્કના અધિકારી તો છે જ. આ સમયે વિવિધ પરિવારના લોકોને બહાર આમનેસામને મળવા પર પ્રતિબંધ હતો અને અંદરના મેળાવડા તદ્દન પ્રતિબંધના નિયંત્રણો હતા.
તત્કાલીન હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે એક પત્રકાર પરિષદમાં ગત ૨૪ કલાકમાં કોરોના વાઈરસથી ૩૮૪ મોત નોંધાયાની જાહેરાત કરી હતી તેના પછી આ પાર્ટી યોજાયાનું કહેવાય છે. પાર્ટીમાં હાજર લોકોએ વાઈન, બિયર તેમજ સ્પિરિટ્સ સાથે મિશ્રિત કોક સહિતનાં પીણાં પીધાં હતાં. પાર્ટીમાં હાજર સૂત્રે જણાવ્યું હતું કે સહાયકોએ અગાઉથી જ પ્રેસ કોન્ફરન્સ પછી ડ્રિન્ક્સ માટે રહેવાનું નક્કી કરી લીધું હતું. જાણે નિયંત્રણો ઉઠાવી લેવાયા હોય તેવો માહોલ હતો. એક સાક્ષીએ જણાવ્યા અનુસાર વડા પ્રધાન બોરિસ જ્હોન્સન પણ ૧૫ મિનિટ સુધી પાર્ટીમાં રોકાયા હતા. થોડા દિવસ અગાઉ ૧૦ મેએ વડા પ્રધાને ટેલિવિઝન પર પ્રસારિત ભાષણમાં નિયંત્રણોનો ભંગ કરનારા માટે દંડ વધારવાની પણ વાત કરી હતી.