લંડનઃ હાઉસ ઓફ કોમન્સના સ્પીકર સર લિન્ડસે હોયલેએ ગૃહમાં વર્તન અને શિષ્ટાચારના નિયમોમાં સુધારા કરી નવો ડ્રેસ કોડ જાહેર કર્યો છે. આ મુજબ હવે સાંસદોએ ગૃહમાં અને પાર્લામેન્ટના પરિસરમાં મર્યાદા અને સંસ્કારનું પાલન કરવું પડશે. તેઓ ગૃહમાં જીન્સના પેન્ટ, સ્લીવલેસ ટોપ્સ, ચામડીને ચિપકી જાય એવા ફીટ પેન્ટ કે સ્પોર્ટ્સ શૂઝ પહેરી શકશે નહિ.
કોરોના લોકડાઉનના સમયમાં સાંસદો વર્ચ્યુઅલ બેઠકોમાં કેઝ્યુઅલ અને હળવાશપૂર્ણ વસ્ત્રોમાં ભાગ લેતા હતા તે હવે બંધ થઈ જશે. સ્પીકર સર લિન્ડસે હોયલેએ નવા નિયમો જાહેર કરી સાંસદો માટે જીન્સ, ચિનેઝ, સ્પોર્ટ્સવેર અથવા અન્ય કેઝ્યુઅલ ટ્રાઉઝર્સ જેવાં વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ડ્રેસ કોડ ઉપરાંત, હાઉસમાં અસભ્યતા ચલાવી લેવાશે નહિ. હવે સાંસદો ગાઈ શકશે નહિ, તાળીઓ વગાડી નહિ શકે કે સૂત્રોચ્ચાર નહિ કરી શકે કારણકે આ બધાથી ચર્ચાનો સમય ખોરવાઈ જાય છે. સાંસદો ચર્ચા વેળાએ પુસ્તકો કે ન્યૂઝપેપર્સ વાંચી નહિ શકે તેમજ ફોન અને અન્ય ઈલેક્ટ્રોનિક સાધનો વાપરી નહિ શકે.
સ્પીકર હોયલેએ ચેતવણી જારી કરી હતી કે તમામ સાંસદોએ એક બિઝનેસમેનને છાજે એવા વસ્ત્રો અને પહરખાં પહેરવાના રહેશે. સાંસદોને કેવા વસ્ત્રો પહેરવા જોઇએ તેની ખબર હોવી જોઇએ. પુરુષોએ ટાઈ અને જેકેટ્સ પહેરવાનું રાખવું પડશે. તેમણે સંસદીય મતક્ષેત્રના મતદારોને સન્માન આપવા સાથે ગૃહની ગરિમા પણ જાળવવી જોઇએ.
પુરોગામી સ્પીકર જ્હોન બેર્કોના સમયમાં કોઈ ડ્રેસ કોડ ન હતો અને બિઝનેસ વસ્ત્રો પહેરવાની ભલામણ જ કરાઈ હતી. બીજી તરફ, સર હોયલેએ ગત વર્ષે ડિસેમ્બરમાં પૂર્વ ફોરેન સેક્રેટરી જેરેમી હન્ટને કોમન્સમાં બ્રેક્ઝિટની વર્ચ્યુઅલ ચર્ચા વખતે ડ્રેસ કોડનું પાલન નહિ કરવા બદલ ઠપકો આપ્યો હતો. હન્ટે ટાઈ પહેરી ન હતી તેમજ શર્ટનું પહેલું બટન પણ ખુલ્લું હતું.