લંડનઃ બ્રેક્ઝિટ મિનિસ્ટર લોર્ડ ડેવિડ ફ્રોસ્ટે કેબિનેટમાંથી રાજીનામું આપતા વડા પ્રધાન બોરિસ જ્હોન્સનને વધુ એક ફટકો પડ્યો છે. બોરિસ જ્હોન્સન સાંસદોના અસંતોષનો સામનો કરી રહ્યા છે ત્યારે સરકાર પર અંકુશ મેળવવાનું કાર્ય તેમના માટે કઠિન બની રહ્યું હોય તેમ જણાય છે. જો કેમણે નેતાગીરી સાચવી રાખવી હોય તો આવો અંકુશ જરૂરી ગણાય છે.
લોર્ડ ફ્રોસ્ટ બ્રેક્ઝિટ વાટાઘાટોના મુદ્દે હતાશ હોવાં ઉપરાંત, સરકારની કોવિડ નીતિઓ અને ટેક્સવધારા બાબતે પણ નારાજ હતા. તેમણે કોવિડના પ્લાન બી પગલાં વિશે પણ ચિંતા દર્શાવી હતી. બોરિસ સરકારે કડક વલણ છોડી બ્રેક્ઝિટ મુદ્દે ઈયુને ઘણી રાહતો આપી તેનો પણ લોર્ડ ફ્રોસ્ટે વિરોધ કર્યો હતો. ગત સપ્તાહે પેટાચૂંટણીમાં ભારે તફાવતથી પરાજય તેમજ શ્રેણીબદ્ધ કૌભાંડોના પગલે જ્હોન્સન માટે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે. ફ્રોસ્ટની વિદાય ટોરી પાર્ટીમાં ઉકળતાં ચરુની સ્થિતિ દર્શાવે છે.
કહેવાય છે કે લોર્ડ ફ્રોસ્ટે વડા પ્રધાન સમક્ષ રાજીનામું આપવાની ઈચ્છા દર્શાવી હતી પરંતુ, તેઓ જાન્યુઆરીના અંતે રાજીનામું આપશે તેવી સમજૂતી સધાઈ હતી પરંતુ, આ વાત જાહેર થઈ જતાં તેમણે વહેલું રાજીનામું આપી દીધું હતું.