લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને નવા હેલ્થ અને સોશિયલ કેર ભંડોળ માટે નેશનલ ઈન્સ્યુરન્સ ટેક્સમાં વધારો જાહેર કર્યા પછી ભવિષ્ય એટલે કે વર્તમાન પાર્લામેન્ટની મુદતમાં ટેક્સ નહિ વધારાય તેવી ખાતરી ઉચ્ચારવા ઈનકાર કર્યો છે. જ્હોન્સને કહ્યું હતું કે ડિસેમ્બર ૨૦૧૯માં તેઓ ચૂંટાયા પછી દેશ તદ્દન અલગ અર્થતંત્રની લડાઈ લડી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે તેઓ હજુ પણ કન્ઝર્વેટિવ્ઝ ઓછાં ટેક્સની પાર્ટી હોવાં સંદર્ભે ભાવનાત્મક રીતે પ્રતિબદ્ધ છે.
ડાઉનિંગ સ્ટ્રીટની પ્રેસ કોન્ફરન્સમાં ભવિષ્યમાં ટેક્સ વધારાની શક્યતા અંગે પડકાર કરાયો ત્યારે જ્હોન્સને સીધો ઉત્તર ટાળ્યો હતો અને જણાવ્યું હતું કે ચાન્સેલર સુનાક આ બાબતો પર નિર્ણય લેતા હોય છે. તેમણે વારંવાર કહ્યું હતું કે મહામારીના કારણે ફાઈનાન્સિયલ પરિસ્થિતિ બદલાઈ છે.
જ્હોન્સને કહ્યું હતું કે,‘બધી નાણાકીય બાબતો ચાન્સેલરના હાથની વાત છે. હું તમને ચોક્કસપણે એટલું કહી શકું કે જ્યાં શક્ય હોય ત્યાં ટેક્સમાં કાપ મૂકવા બાબતે કન્ઝર્વેટિવ પાર્ટી અથવા સરકારમાં એમારા ત્રણથી વધુ પ્રતિબદ્ધ કોઈ નહિ હોય. જોકે, આપણે વાસ્તવિકતાનો સામનો કરીએ કે ૨૦૧૯ની સરખામણીએ નાણાકીય સ્થિતિ તદ્દન બદલાયેલી છે. અર્થતંત્ર મજબૂતપણે પ્રગતિ કરી રહ્યું છે. આપણે આમાંથી ઘણી સારી રીતે બહાર આવીશું પરંતુ, રીઝનેબલ અને વ્યવહારુ બનવું જ રહ્યું તેથી જ અમે આ પગલાં લઈ રહ્યા છીએ.’
આ પાર્લામેન્ટની મુદતમાં વધુ ટેક્સવધારાને નકારશો તેવો પ્રશ્ન ફરી પૂછાતા જ્હોન્સને જણાવ્યું હતું કે,‘ જો તમે ભાવનાત્મક પ્રતિબદ્ધતા દર્શાવવાનું કહો તો હું ચોક્કસપણે વધુ ટેક્સ વધારા ઈચ્છીશ નહિ. પરંતુ, આ બધી બાબતોમાં એક ફોર્માલિટી છે. નાણાકીય બાબતોમાં ચાન્સેલરે આ નિર્ણયો તેમના બજેટ વખતે લેવાના હોય છે અને તે જ યોગ્ય છે.’