લંડનઃ ભારતીય મૂળના બિઝનેસ મેન સુનીલ ચોપરા લેબર પાર્ટીના ઉમેદવાર તરીકે બ્રિટનના સધર્કના લંડન બરોના મેયર તરીકે ફરી ચૂંટાઈ આવ્યા છે. તેમણે સેન્ટ્રલ લંડન નજીકના સધર્ક કેથેડ્રલ મોન્ટેગ્યૂ ખાતે બીજી વખત મેયર તરીકે હોદ્દાના શપથ લીધા છે. આ વિસ્તારમાં ભારતીયોની વસ્તી ફક્ત બે ટકા હોવા છતાં સુનીલ ચોપરાનું મેયરપદે ફરી ચૂંટાઈ આવવું ખૂબ જ મહત્ત્વની ઘટના બની રહી છે.
દિલ્હીમાં જન્મેલા સુનીલ ચોપરા અગાઉ 2014-15 દરમિયાન પણ મેયર ચૂંટાયા હતા. ત્યારે તેઓ બરોની આ ખૂબ પ્રતિષ્ઠિત ઓફિસમાં ચૂંટાનાર સૌ પ્રથમ ભારતીય હતા. તે અગાઉ 2013-14માં ડેપ્યુટી મેયર પદે રહ્યા હતા. એ વર્ષે સુનીલ ચોપરાની નેતાગીરીમાં લેબર પાર્ટીએ લંડન બ્રિજ અને વેસ્ટ બર્મોન્ડ્સડે બેઠકો ઉપર લિબરલ ડેમોક્રેટિક પાર્ટીને હરાવીને પહેલી જ વખત લેબર પાર્ટીને વિજય મળ્યો હતો. આ બેઠકો દાયકાઓથી ડેમોક્રેટ્સ પાસે જ હતી. લેબર પાર્ટી કદી ફાવી નહોતી ત્યાં સુનીલ ચોપરાએ વિજયપતાકા લહેરાવી આપતાં લેબર પાર્ટીમાં તેમનું વજન વધ્યું હતું. હવે ફરીથી આ બેઠક પર ચૂંટાઈ આવતાં સુનીલ ચોપરાનું બ્રિટનના રાજકારણમાં મહત્ત્વ અનેકગણું વધી ગયું છે.