લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સન 10 ડાઉનિંગ સ્ટ્રીટમાંથી વિદાય લેના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પોતાને ‘દેવાળિયા’ ગણાવનારા જ્હોન્સનને જીવનનિર્વાહ કટોકટી કેટલી નડશે તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે. વડા પ્રધાનને નાણાકીય મુશ્કેલી કેવી રીતે નડી શકે તે યક્ષપ્રશ્ન રહે છે. નાણાકીય દૃષ્ટિએ જ્હોન્સન રહસ્યમય વ્યક્તિ જ રહ્યા છે. તેઓ મલ્ટિમિલિયોનર છે પરંતુ, મિત્રો સમક્ષ પોતાને ‘દેવાળિયા’ જ ગણાવે છે.
વડા પ્રધાન તરીકે તેમનો પગાર સૌથી વધુ કમાણી કરનારા 1 ટકાની યાદીમાં મૂકે છે. તેઓ 2019ની મધ્યમાં ડાઉનિંગ સ્ટ્રીટમાં રહેવા આવ્યા તે અગાઉ એક ભાષણના 120,000 પાઉન્ડની ફી વસુલતા હતા. તેમણે 1993માં સમૃદ્ધ બનેલાં બેરિસ્ટર મરીના વ્હીલર સાથે લગ્ન કર્યા હતા. ધ સ્પેક્ટેટર અખબારનું તંત્રીપદ, શેડો કેબિનેટની ભૂમિકાઓ, ધ ટેલિગ્રાફમાં કોલમની 275,000ની આવક, આ બધાને ગણીએ તો બોરિસ-મરીના દંપતી પાસે અનેક પ્રોપર્ટી ખરીદવા પૂરતા નાણા હતા.
સરકારમાં સ્થાન મેળવવા સાથે જ્હોન્સનના ફાઈનાન્સને ભારે અસર પડી હતી. જુલાઈ 2019માં વડા પ્રધાન બન્યા તે પહેલા તેમની આવક 624,000 પાઉન્ડ હતી. પ્રાઈમ મિનિસ્ટર બન્યા પછી તેમની આવક 164,080 પાઉન્ડના પગારની રહી હતી.. આની સામે ઓસ્ટ્રેલિયાના ઓલેફ શેલ્ઝ 305,000 પાઉન્ડ અને યુએસ પ્રમુખ જો બાઈડેન332,000 પાઉન્ડનું વેતન મેળવે છે. શેફિલ્ડ કરતાં ઓછી વસ્તી ધરાવતા લક્ઝમબર્ગના વડા પ્રધાનને પણ 198,000 પાઉન્ડનું વેતન મળે છે. તેઓ મિત્રોને કહેતા હતા કે આ પગારની આવક સારી રીતે રહેવા માટે જોઈતા વાર્ષિક 300,000 પાઉન્ડ કરતાં ઘણી ઓછી હતી. તેમના પુસ્તકોની રોયલ્ટી ઘટતી ગઈ હતી. આર્ટ ડીલર હેલન મેકિન્ટાયરથી 2009માં જન્મેલી પુત્રીના ભરણપોષણનો ખર્ચ પણ બોરિસ જ્હોન્સન ઉઠાવતા હતા.
ગયા વર્ષે એવો દાવો પણ કરાયો હતો કે તેમના સંતાન વિલ્ફ્રેડની આયા પાછળ ખર્ચ કરવા માટે પણ ટોરી દાતાઓ પાસે ટહેલ નાખવામાં આવી હતી. જ્હોન્સન પરિવાર માટે ઓર્ગેનિક ફાર્મ શોપ્સમાંથી ફૂડ અને ડ્રિન્કના 27000 પાઉન્ડના ખર્ચામાં થોડો હિસ્સો ટોરી દાતા લોર્ડ બામફોર્ડના પત્ની લેડી બામફોર્ડે ઉઠાવ્યો હોવાનું પણ કહેવાય છે. જ્હોન્સન માટે શાસનકાળમાં સૌથી મોટો 200,000 પાઉન્ડનો ખર્ચ ડાઉનિંગ સ્ટ્રીટના ફ્લેટની સજાવટનો હતો. એમ પણ કહેવાય છે કે આ સજાવટના ખર્ચમાં લોર્ડ ડેવિડ બ્રાઉનલોએ આશરે 112,000 પાઉન્ડની ચૂકવણી કરી હતી. વડા પ્રધાનોને ઘરની સજાવટ માટે વાર્ષિક 30,000 પાઉન્ડની ફાળવણી કરાય છે.
જ્હોન્સન વડા પ્રધાનનો હોદ્દો છોડશે ત્યારે તેમનો પાર્લામેન્ટરી પગાર ઘટીને સાંસદ તરીકે 84,144 પાઉન્ડનો થઈ જશે. તેમને નોકરી છોડવાના પેમેન્ટ તરીકે ત્રણ મહિનાના લગભગ 18,860 પાઉન્ડ પણ મળશે. જોકે, તેઓ કદાચ તેમના અને કેરીના ફ્લેટમાં રહેવા જઈ નહિ શકે, તેમના ઓક્સફર્ડશાયરના મકાનમાં ભાડૂત છે અને તેમણે લંડનમાં ઘર ભાડે રાખવું પડશે. જ્હોન્સન માટે લાઈફસ્ટાઈલ જાળવી રાખવી અઘરી પડશે. તેમને મિનિસ્ટર તરીકેની કારનો ઉપયોગ કરવા નહિ મળે. આ ઉપરાંત, બે વર્ષના વિલ્ફ્રેડ અને સાત મહિનાની બાળકી રોમીની સ્કૂલ ફીનો ખર્ચ પણ ચૂકવવાનો આવશે.