લંડન
પાંચમી સપ્ટેમ્બર 2022ના રોજ બ્રિટનને નવા વડાપ્રધાન મળી જશે. નવા વડાપ્રધાનને નિર્ણયો માટે ટીકાઓનો સામનો કરવા અને જવાબદારી સ્વીકારવા તૈયાર રહેવું પડશે. રિશી સુનાક અને લિઝ ટ્રસ વચ્ચેની સ્પર્ધા ગળાકાપ બની રહી છે ત્યારે બ્રિટનની વંશીય લઘુમતીઓ દ્વારા સેવાઇ રહેલા એક નાનકડા સ્વપ્નને નકારી શકાય નહીં. હંમેશા વંશીય ભેદભાવ સામે અને પોતાના અધિકારો માટે લડતા ભારતીય સમુદાયને પોતાના જેવું જ મૂળ અને ચામડીનો રંગ ધરાવતી વ્યક્તિને બ્રિટનના ટોચના હોદ્દા પર બિરાજમાન થતી જોવાની આશા છે. બસ હવે મતદાનના પરિણામ આડે થોડા જ દિવસ બાકી રહ્યાં છે ત્યારે એટલું કહી શકાય કે જો 42 વર્ષીય સુનાક વિજેતા થશે તો તેઓ બ્રિટનના એશિયન મૂળના સૌપ્રથમ બ્રિટિશ-ભારતીય વડાપ્રધાન બનશે. સુનાકનો વિજય થાય કે ન થાય પરંતુ ભારતીય સમુદાય એ વાતને હંમેશા યાદ રાખશે કે શ્વેત બહુલ દેશમાં ભારતીય મૂળની એક વ્યક્તિએ વડાપ્રધાનપદ માટે દાવો કર્યો હતો. રિશી સુનાકના સરકારી નિર્ણયો અંગેની મંતવ્યો અને હાલ બ્રિટનમાં પ્રવર્તી રહેલી સામાજિક અને આર્થિક કટોકટીને પહોંચી વળવા માટેનું વલણ મોટાભાગના ટીકાકારો માટે પ્રાથમિક માપદંડો ભલે હોય પરંતુ બ્રિટિશ ભારતીય સમુદાય માટે રિશી સુનાક હજુ એ જ યુવાન છે જે સાઉધ્મ્પટનમાં તેમના માતાપિતા સાથે ફાર્મસીમાં કામ કરતા અને ઘેર ઘેર જઇને દવાઓ પહોંચાડતા હતા.
ફુગાવાને ડામવા માટે કરવેરામાં કાપ મૂકવા અંગેના પોતાના વલણ પર દ્રઢ રહીને સુનાકે વારંવાર કહેતા રહ્યા છે કે ખોટાં વચનો આપીને જીતવા કરતાં હારી જવું બહેતર છે. રિશી સુનાકની કિર્તી, સિદ્ધી અને આર્થિક પ્રતિષ્ઠા તેમની રાજકીય અને બિઝનેસની કુશાગ્રતાનું પરિણામ છે અને તે આપોઆપ ઉભરી આવી નથી. તેમની પત્ની અક્ષતા ઘેર આવેલા મહેમાનો માટે ચ્હા તૈયાર કરે છે. રિશી સુનાક તેમના સંતાનોને શાળાએ મૂકવા જાય છે. બોરિસ જ્હોન્સન સરકારમાંના તેમના કાર્યકાળ દરમિયાન આકરી ટીકાઓ થતી હોવા છતાં તેઓ પોતાની પ્રતિષ્ઠા અને લોકપ્રિયતામાં ઉત્તરોતર વધારો કરતાં રહ્યાં છે.