લંડનઃ મુસ્લિમ કન્ઝર્વેટિવ સાંસદ અને પૂર્વ મિનિસ્ટર નુસરત ગનીએ સનસનીખેજ આક્ષેપ કર્યો છે કે તેઓ મુસ્લિમ હોવાના કારણે ૨૦૨૦માં ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરપદેથી તેમની હકાલપટ્ટી કરાઈ હતી. આનાથી ટોરી પાર્ટીમાં વંશવાદનો વિવાદ સર્જાયો છે. વડા પ્રધાન બોરિસ જ્હોન્સને મહિલા સાંસદ ગનીના આક્ષેપમાં કેબિનેટ ઓફિસ દ્વારા તપાસના આદેશો જારી કર્યા છે. અગાઉ, ટોરી પાર્ટીએ જણાવ્યું હતું કે નુસરત ગની સત્તાવાર ફરિયાદ કરે તે પછી જ ઈન્ક્વાયરી કરાશે. સરકારના ચીફ વ્હીપ માર્ક સ્પેન્સરે આક્ષેપને નકારી કાઢ્યો હતો.
કન્ઝર્વેટિવ સાંસદ નુસરત ગનીએ સન્ડે ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં આક્ષેપ કર્યો હતો કે વડાપ્રધાન કાર્યાલયની બેઠકમાં ચીફ વ્હીપ દ્વારા તેઓ મુસ્લિમ હોવાનો મુદ્દો ઉઠાવાયો હતો. તેમણે જણાવ્યું હતું કે મુસ્લિમ મહિલા મિનિસ્ટર હોવાના કારણે અન્ય સહકર્મીઓ અસહજતા અનુભવતા હોવાનું ચીફ વ્હીપે કહ્યું હતું. તેમણે ચીફ વ્હીપનું નામ આપ્યું ન હતું. નુસરતે કહ્યું હતું કે ‘આનાથી મને પેટમાં મુક્કો મરાયો હોવાની તેમજ હું ઉપેક્ષિત અને નિર્બળ હોવાની લાગણી થઈ હતી. આના કારણે પક્ષમાં મારી શ્રદ્ધાને ધક્કો નથી વાગ્યો તેમ હું નહિ કહું.’ ચીફ વ્હીપ સ્પેન્સરે આક્ષેપો નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે ગનીએ આવી કોઈ ફરિયાદ કરી નથી અને સત્તાવાર ફરિયાદ પછી જ તેની તપાસ કરી શકાશે. તેમણે એમ પણ કહ્યું હતું કે તેમણે આવા શબ્દો કદી ઉચ્ચાર્યા નથી અને આક્ષેપો બદનક્ષીકારક છે. ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર ડોમિનિક રાબે પણ નુસરતે કોઈ ફરિયાદ કર્યાનો ઈનકાર કર્યો છે.
જોકે, ટોરી બેકબેન્ચર્સની ૧૯૨૨ કમિટીના વાઈસ-ચેરવુમન નુસરત ગનીએ દાવો કર્યો હતો કે જો તેઓ આ બાબત ઉઠાવશે તો સાથીઓ તેમનો બહિષ્કાર કરશે અને તેમની કારકિર્દી અને પ્રતિષ્ઠાને નુકસાન જશે તેવી ચેતવણી અપાયાના લીધે તેમણે મૌન રાખ્યું હતું. ૪૯ વર્ષના નુસરતને ૨૦૨૦ના મિનિ રીશફલમાં ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરપદેથી દૂર કરાયાં હતાં.