લંડનઃ લેબર પાર્ટીના ફ્રન્ટબેન્ચર અને શેડો કેબિનેટ ઓફિસ સેક્રેટરી જોનાથન એશવર્થે સ્કાય ન્યૂઝના પ્રેઝન્ટર કે બર્લી સાથે લાઈવ પ્રસારણ વખતે જ પ્રાઈમ મિનિસ્ટર રિશિ સુનાક મે મહિનામાં જનરલ ઈલેક્શન કરાવશે તેવી શરત લગાવી હતી. આ શરત 10 પાઉન્ડની હતી અને જીતેલી રકમ આલ્કોહોલિક્સના બાળકો માટેની ચેરિટીમાં આપવા બંને સહમત થયા હતા.
એશવર્થે ટાઈમ્સ રેડિયોને જણાવ્યું હતું કે, ‘કન્ઝર્વેટિવ્ઝ જે રીતે સોશિયલ મીડિયામાં જાહેરાતો કરી રહ્યા છે અને રાજકીય પરિસ્થિતિ છે તેને ધ્યાનમાં લઈ તેમની પસંદગી મે મહિનામાં ઈલેક્શન યોજવાની હોય તેમ હું માનું છું. મારું માનવું છે કે રિશિ સુનાકે હવે તારીખ જાહેર કરી દેવી જોઈએ કારણકે ઘણી અનિશ્ચિતતા છે. યુકેમાં રોકાણો કરવા ઈચ્છતાં બિઝનેસીસ અને કંપનીઓને યુકેની ઈકોનોમીમાં નિશ્ચિતતા જોઈએ છે.’
વડા પ્રધાન સુનાકે જાન્યુઆરીમાં કહ્યું હતું કે આ વર્ષના ઉત્તરાર્ધમાં તેઓ ચૂંટણી જાહેર કરે તેવી ધારણા પર કેઓ કામ કરી રહ્યા છે. મોડેથી ચૂંટણી કરાવવાથી ઈન્ટરેસ્ટ રેટ નીચાં જાય તેનો લાભ મેળવી શકે છે પરંતુ, એવી દલીલ પણ થાય છે કે જેટલો વિલંબ થશે તેટલો ગેરલાભ થશે. કન્ઝર્વેટિવ્ઝ માટે સમર્થન ચાર દાયકાના ગાળામાં સૌથી તળિયે પહોંચ્યું છે. ઈપ્સોસ પોલ મુજબ ફેબ્રુઆરીના અંતે કન્ઝર્વેટિવ પાર્ટીને 20 ટકા અને લેબર પાર્ટીને 47 ટકા સમર્થન મળ્યું હતું.