લંડનઃ યુકેના ચૂંટણી સત્તાવાળાઓ દ્વારા દાયકાઓ પછી સૌથી મોટા ફેરફારોમાં ઈંગ્લેન્ડ, વેલ્સ, સ્કોટલેન્ડના સંસદીય મતક્ષેત્રોની સીમાઓમાં પરિવર્તન જાહેર કર્યું છે. આ ફેરફારોથી ઈંગ્લેન્ડના મતક્ષેત્ર વધશે જ્યારે વેલ્સ અને સ્કોટલેન્ડના મતક્ષેત્રોમાં ઘટાડો થશે. ઈંગ્લેન્ડની ૧૦ બેઠક વધશે જ્યારે સ્કોટલેન્ડની ૨ અને વેલ્સની ૮ બેઠક ઘટી જશે. આ પગલાંની એવી ટીકા કરાઈ છે કે તેનાથી ઘણી કોમ્યુનિટીઓનું વિભાજન થઈ જશે.
લેબર પાર્ટીના નેતા સર કેર સ્ટાર્મરની લંડનની હોલબોર્ન એન્ડ સેન્ટ પાન્ક્રાસ બેઠકમાં ભારે ફેરફાર થશે અને તેનું નામ બદલાઈને કેન્ટિશ ટાઊન એન્ડ બ્લૂમ્સબેરી કરાશે. બાઉન્ડરી કમિશન ફોર ઈંગ્લેન્ડની અન્ય ભલામણ મુજબ લાંબા સમયની ભૌગોલિક આધારિત સિટી ઓફ ચેસ્ટર જેવી બેઠકોનું પણ વિભાજન કરાશે.
ઘણી સંસદીય બેઠકોના નામ બદલાશે અથવા અદૃશ્ય થઈ જશે. ડાઉનિંગ સ્ટ્રીટ અને પાર્લામેન્ટ વિસ્તારોને સમાવતી સિટીઝ ઓફ લંડન એન્ડ વેસ્ટમિન્સ્ટર બેઠકનું સિટી ઓફ લંડન અને ઈઝલિંગ્ટન સાઉથમાં વિભાજન કરાશે તેમજ નવી વેસ્ટમિન્સ્ટર એન્ડ ચેલ્સી બેઠક અસ્તિત્વમાં આવશે.
વર્તમાન ૬૫૦ સંસદીય બેઠકોની સંખ્યા જાળવી રખાશે પરંતુ, ઈંગ્લેન્ડની સંસદીય બેઠકો ૫૩૩થી વધીને ૫૪૩ થશે. સ્કોટલેન્ડ બે બેઠકો ગુમાવી ૫૭ બેઠક ધરાવશે જ્યારે વેલ્સની ૪૦ બેઠક ઘટીને ૩૨ થશે. નોર્ધર્ન આયર્લેન્ડની ૧૮ બેઠક યથાવત રહેશે.
આ ફેરફારનો મૂળ હેતુ દરેક મતક્ષેત્રના રજિસ્ટર્ડ મતદારોની સંખ્યા સરેરાશ ૭૩,૪૦૦થી નીચે રાખવાનો છે. ઈંગ્લેન્ડમાં જ વસ્તીની પેટર્નથી મોટા ફેરફાર થશે. ઈંગ્લેન્ડના સાઉથ-ઈસ્ટ ક્ષેત્રમાં સાત બેઠક, લંડનની બે અને સાઉથ-વેસ્ટની ત્રણ બેઠક વધશે જ્યારે નોર્થ-ઈસ્ટ, નોર્થ-વેસ્ટ અને વેસ્ટ મિડલેન્ડ્સની બે-બે બેઠક અને ઈસ્ટ મિડલેન્ડ્સની એક બેઠક ઘટશે. યોર્કશાયર અને હમ્બરની બેઠકો યથાવત રહેશે.