લંડનઃ મલ્ટિ-મિલિયોનેર પત્ની અક્ષતા મૂર્તિના નોન-ડોમ સ્ટેટસ, પારિવારિક ટેક્સ એફેર્સ, મલ્ટિ-મિલિયન પાઉઊન્ડના ઈન્વેસ્ટમેન્ટ્સ અને પોતાના ગ્રીન કાર્ડ મુદ્દે ચગેલા જોરદાર વિવાદ તેમજ રાજીનામાની ભારે અટકળો વચ્ચે ચાન્સેલર રિશિ સુનાકે મિત્રોને જણાવ્યું છે કે તેઓ હોદ્દો છોડશે નહિ. આ વિવાદ તેમની રાજકીય કારકિર્દીની ગાડી પાટા પરથી ઉતારી શકશે નહિ તે બાબતે સુનાક મક્કમ છે. સુનાકે પોતાના મિનિસ્ટરિયલ ડેક્લેરેશન્સ બાબતે તપાસ કરાવવા વડા પ્રધાન બોરિસ જ્હોન્સનને પત્ર પણ પાઠવ્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે તેઓ હંમેશાં નિયમોનું પાલન કરતા આવ્યા છે અને વધુ સ્પષ્ટતા કરવા ઈચ્છે છે.
બીજી તરફ, સુનાકના મિત્રો કહી રહ્યા છે કે ચાન્સેલર પોતાના પરિવારને બચાવવા રાજકારણ છોડવાનું વિચારી રહ્યા છે કારણકે ખોટા તણાવ હેઠળ રહેવાનું તેમને પસંદ નથી. પોતાની રાજકીય કારકિર્દીના કારણે અક્ષતા મૂર્તિને આવી વિવદિત પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેવું પડ્યું છે તેનાથી સુનાકને ખરાબ લાગ્યું છે. એવી અફવા પણ ચાલી રહી છે કે આગામી કેબિનેટ રીશફલમાં વડા પ્રધાનને ચાન્સેલરની હકાલપટ્ટી કરવાની ફરજ પડી શકે છે. ઓપિનિયમ રિસર્ચના પોલ મુજબ માર્ચ મહિનાના ઉત્તરાર્ધથી સુનાકનું એપ્રુવલ રેટિંગ 3 ટકા ઘટીને 28 ટકા થયું છે જ્યારે ડિસએપ્રુવલ રેટિંગ 8 પોઈન્ટ વધીને 43 ટકા થયું છે.
પરિવારે 11, ડાઉનિંગ સ્ટ્રીટ છોડ્યું
સુનાક હોદ્દો છોડશે તેવી અટકળોને વેગ આપતી ઘટનામાં પરિવારે પરિવારે 11, ડાઉનિંગ સ્ટ્રીટ નિવાસસ્થાન છોડ્યું છે. નંબર 11ની બહાર ફર્નિચર સહિતનો માલસામાન લઈ જતી વાન્સ જોવા મળી હતી. સુનાકનો પત્ની અને બે દીકરીનો પરિવાર તેમના વૈભવી વેસ્ટ લંડનના નિવાસે રહેવા ગયો છે. સુનાકની મોટી દીકરી બોર્ડિંગ સ્કૂલમાં જઈ રહી હોવાથી આ માટે લાંબા સમયથી તૈયારી ચાલતી હોવાનું કહેવાય છે. તેમનો આ નિવાસ સ્કૂલની નજીક હોવાથી આ પગલું લેવાયું છે. ચાન્સેલર મોડી રાત સુધી કામ કરતા હશે ત્યારે નંબર 11ના નિવાસે રહેશે તેમ પણ કહેવાયું છે.
મિનિસ્ટરિયલ ડેક્લેરેશન્સની તપાસ
ચાન્સેલર રિશિ સુનાકે આશ્ચર્યજનક પગલું લઈ તેમણે પોતાના પરિવારના નાણાકીય હિતો યોગ્યપણે જાહેર કર્યા છે કે કેમ તેના વિશે તપાસનો આદેશ આપવા વડા પ્રધાન બોરિસ જ્હોન્સનને પત્ર પાઠવ્યો છે. અક્ષતા મૂર્તિના નોન-ડોમ સ્ટેટસ મુદ્દે વિવાદ સર્જાયા પછી સુનાકે જણાવ્યું છે કે તેમની મુખ્ય ચિંતા તેમની કામગીરીમાં પ્રજાનો વિશ્વાસ જળવાઈ રહે તેની છે. મિનિસ્ટર્સના હિતો બાબતે વડા પ્રધાનના સલાહકાર લોર્ડ ગેઈટ આ તપાસનું વડપણ સંભાળશે અને ચાન્સેલરે 2018માં મિનિસ્ટર બન્યા પછી તેમના નાણાકીય હિતોના ટકરાવને ટાળવા તમામ સંબંધિત માહિતી જાહેર કરી છે કે નહિ તેની ચકાસણી કરશે. અગાઉ, લોર્ડ ગેઈટે ડાઉનિંગ સ્ટ્રીટ ફ્લેટની સજાવટના 112,000 પાઉન્ડના ખર્ચમાં જ્હોન્સને કશું ખોટું કર્યું નથી તેમ જણાવતો રિપોર્ટ આપેલો છે. રિશિ સુનાકે તેઓ દોષમુક્ત ઠરશે તેવો વિશ્વાસ દર્શાવતા લોર્ડ ગેઈટના તારણોને જાહેર કરવા પણ જણાવ્યું છે.
માહિતી લીકેજની પણ ઈન્ક્વાયરી
અક્ષતા મૂર્તિની નાણાકીય બાબતોની વિગતો જાહેર કરવા માટે જવાબદાર વ્યક્તિની ઓળખ કરવાના આક્રમક પગલામાં સુનાકે ‘લીકેજ ઈન્ક્વાયરી’નો આદેશ પણ આપ્યો છે. ચાન્સેલરને ભારે નુકસાન કરી રહેલી માહિતી લીકેજ કરાયા મુદ્દે સીનિયર અધિકારીઓની પૂછપરછ કરાશે. ચાન્સેલરના સાથીઓનું માનવું છે કે આ માહિતી ઘણા ઓછા લોકોની જાણકારીમાં હશે અને વ્હાઈટહોલમાં લેબર પાર્ટીતરફી કોઈ વ્યક્તિ દ્વારા વિગતો જાહેર કરાઈ હોઈ શકે છે. કેબિનેટ ઓફિસ અને ટ્રેઝરી દ્વારા સંપૂર્ણ હાથ ધરવામાં આવશે. સૂત્રોએ જણાવ્યા અનુસાર કોઈ ખાનગી વ્યક્તિના ટેક્સ સ્ટેટસને જાહેર કરવું તે ક્રિમિનલ અપરાધ છે.