લંડનઃ ગ્રાઝીઆ મેગેઝિનના પ્રાઈમ મિનિસ્ટર રિશિ સુનાક અને તેમના બિઝનેસવુમન પત્ની અક્ષતા મૂર્તિના વીડિયો ઈન્ટરવ્યૂએ ભારે હલચલ મચાવી દીધી છે. આ ઈન્ટરવ્યૂમાં રિશિ સુનાકે તેમના ઘરેલુ જીવનનું વિસ્તૃત વિવરણ આપ્યું છે જેમાં ડિશવોશરથી માંડી ફ્રેન્ડ્ઝને ફરીથી નિહાળવાનો સમાવેશ થાય છે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિન અગાઉ દેશનું સૌથી હાઈ પ્રોફાઈલ દંપતી તેમની ઘરેલુ ફરજોને કેવી રીતે શેર કરે છે તે ગ્રાઝીઆ મેગે્ઝિનનો ઈન્ટરવ્યૂ જણાવવા માગે છે. પ્રાઈમ મિનિસ્ટર સુનાક શનિવારે સ્ક્રેમ્બલ્ડ એગ્ઝ રાંધે છે, ડિશવોશરમાં ડિશીઝને ગંભીરતા સાથે ગોઠવે છે અને સાંજે ‘ફ્રેન્ડ્ઝ’ સીરિઝ નિહાળે છે. જો તેમની પથારી બરાબર ગોઠવાયેલી ન હોય તો તેઓ ચીડાઈ પણ જાય છે. આ વીડિયો વિશે લોકોના મિશ્ર પ્રતિભાવો જોવા મળ્યા છે.
પાંચ મિનિટની ક્લિપમાં દંપતી પ્રશ્નોનાં ઉત્તર વાળે છે કે પથારી કોણ બનાવે છે (મિસ મૂર્તિ કહે છે .. ચોક્કસ રિશિ), ડિશવોશર લોડ કરવામાં કોણ વધુ સારું છે (સુનાક કહે છે .. એ તો હું જ) અને કોણ વધુ પુસ્તકો વાંચે છે.. આ છેલ્લા પ્રશ્નનો ઉત્તર આપતા સુનાક કહે છે કે,‘ મિસ મૂર્તિ, કારણકે, દરરોજ હું ઘેર પહોંચું ત્યારે થાકી ગયો હોઉ છું આથી, ફ્રેન્ડ્ઝનો એપિસોડ જોઈને પથારીમાં પોઢી જાઉ છું.’ મિસ મૂર્તિ કહે છે કે આ અમેરિકી સિટકોમના ઘણા એપિસોડ્સ અમે વારંવાર નિહાળ્યા છે, તે કદી જૂના લાગતા નથી.
સુનાક માટે પથારી પાથરવી તે પણ મહત્ત્વનું કાર્ય છે. જો પથારી બરાબર ન પથરાય તો સુનાક અકળાઈ જાય છે. મિસ મૂર્તિ આને સુનાકની વિશિષ્ટ સ્કીલ ગણાવે છે. દંપતી એક બાબતે સંમત છે કે સુનાક સારા રસોઈયા છે. જોકે, તેમને રાંધવાનો પૂરતો સમય મળતો નથી. સુનાક શનિવારે સવારે નાસ્તામાં સ્ક્રેમ્બલ્ડ એગ્ઝ રાંધે છે, દંપતી કહે છે કે તેમના બાળકો પોતાના વસ્ત્રો ઠેકાણે મૂકે છે, ટેબલ સજાવે છે અને પોતાની પથારી પણ જાતે પાથરે છે. જોકે, સુનાક કહે છે કે તેઓ ડોગ્સને વધુ વખત ફેરવવા લઈ તો તેમને ગમશે. બાળકોને કામકાજ કરવા માટે તેઓ કોઈ પ્રોત્સાહન કે ઈનામ આપતા નથી.
સુનાક અને અક્ષતાએ 2009માં લગ્ન કર્યાં હતાં. તેઓ પહેલી વખત મળ્યા ત્યારે અક્ષતાને પથારીમાં જ ભોજન લેવાની આદત હતી અને રિશિને આ ગમતું નહિ. પરિવારમાં દંપતી અને બે દીકરીએ કેટલો પૌષ્ટિક આહાર લેવો જોઈએ તે મુદ્દે સુનાક ચોક્કસ છે. પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ અને વેજિટેબલ્સની સુનાક હિમાયત કરે છે. સુનાક કહે છે કે જો તેઓ બરાબર ધ્યાન ન રાખે તો તેમનો પરિવાર આ બધું લેશે જ નહિ.