લંડનઃ આશરે ડઝન ટોરી સાંસદોએ વડા પ્રધાન બોરિસ જ્હોન્સનમાં વિશ્વાસ નહિ હોવાના પત્રો લખ્યા છે ત્યારે ચાન્સેલર રિશિ સુનાકને સ્પેક્ટેટર મેગેઝિન દ્વારા ‘પોલિટિશિયન ઓફ ધ યર’ જાહેર કરવામાં આવ્યા છે. આ બાબત સુનાકનું રાજકીય કદ વધ્યું હોવાનું દર્શાવે છે.
કન્ઝર્વેટિવ પાર્ટીના બાઈબલ ગણાતા સ્પેક્ટેટર મેગેઝિન દ્વારા ચાન્સેલર રિશિ સુનાકને ભારે સન્માન અપાયું છે અને તેમને ‘પોલિટિશિયન ઓફ ધ યર’ જાહેર કરવામાં આવ્યા છે. એવોર્ડ સ્વીકારતા ચાન્સેલર સુનાકે ફર્લો સ્કીમ મારફત અપાયેલા નાણા પુનઃ ચૂકવી દેવા બદલ સ્પેક્ટેટરનો આભાર વ્યક્ત કર્યો હતો અને મજાકના સૂરે હવે ૩૯૯ બિલિયન પાઉન્ડ જ આ સ્કીમમાંથી આવવાના બાકી હોવાનું જણાવ્યું હતું. એક સમયે વડા પ્રધાન જ્હોન્સન આ મેગેઝિનનું સંપાદન કરતા હતા. લંડનના વેસ્ટ એન્ડમાં તમામ પક્ષોના સંખ્યાબંધ સાંસદો રોઝવૂડ હોટેલમાં એકત્ર થયા હતા.
ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન અને ચાન્સેલર વચ્ચે સંબંધોમાં કડવાશ સર્જાયાના અહેવાલો છે. જોકે, ડાઉનિંગ સ્ટ્રીટ દ્વારા આ બે નેતા વચ્ચે તંગ સંબંધના અહેવાલો ફગાવી દેવાયા છે.
મતદારોમાં બોરિસ જ્હોન્સનની લોકપ્રિયતાનું ચિંતાજનક ધોવાણ થયું છે અને પક્ષ પર તેમની પકડ ઘટી છે તેવી હાલતમાં શક્તિશાળી ૧૯૨૨ કમિટીના ૧૭ સભ્યોની મજબૂત કારોબારીએ વડા પ્રધાન સાથે બેઠક યોજી હતી. જોકે ૧૯૨૨ કમિટીના ચેરમેન સર ગ્રેહામ બ્રેડીએ કોઈ ટીપ્પણીનો ઈનકાર કર્યો હતો. અહેવાલો અનુસાર ડઝન સાંસદોએ જ્હોન્સનની નેતાગીરીમાં વિશ્વાસ નહિ હોવાના પત્રો લખ્યા છે. જોકે, નેતાગીરીને પડકાર આપવા માટે ૫૪ સભ્યોની જરૂર રહે છે.
ટોરી પાર્ટીમાં અનૈતિકતા, સોશિયલ કેરની કિંમતો અને ઈંગ્લિશ ચેનલમાં માઈગ્રન્ટ્સના મોત સહિતની સમસ્યાઓનો સામનો કરી રહેલા જ્હોન્સનની લોકપ્રિયતામાં ભારે ધોવાણ થયું છે. સાવન્તા કોમરેસ પોલ અનુસાર મતદારોના વિચારોમાં પણ અરાજકતા જોવા મળી છે. જ્હોન્સનનો પસંદગીનો ચોખ્ખો સ્કોર માઈનસ ૧૪ થયો છે જે અત્યાર સુધીમાં સૌથી નીચો છે.