લંડનઃ કોન્ફિડન્સ વિશ્વાસમત જીતી લેવા છતાં વડા પ્રધાન બોરિસ જ્હોન્સન સામે હજુ પડકારો યથાવત છે. બોરિસના સલાહકારોએ ચાન્સેલર રિશિ સુનાકને પડતા મૂકી તેમના બદલે પૂર્વ ફોરેન સેક્રેટરી જેરેમી હન્ટને ચાન્સેલર બનાવવા સલાહ આપી હતી. જોકે, ડાઉનિંગ સ્ટ્રીટે આ સલાહને ફગાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે જેરેમી હન્ટે જ વડા પ્રધાન જ્હોન્સનને હટાવવા ટોરી સાંસદોને આગ્રહ કર્યો હતા. આ સંદર્ભે આંતરિક વિખવાદ વધે નહિ તે માટે હન્ટનું નામ આગળ કરાઈ રહ્યું છે.
સોમવારે રાત્રે કોન્ફિડન્સ વોટમાં 148 ટોરી સાંસદોએ વિરોધમાં મત આપવા સાથે વડા પ્રધાન જ્હોન્સનના શિરે હજુ તલવાર લટકેલી છે. હવે જ્હોન્સનના સાથીદારો જેરેમી હન્ટ અને બોરિસની ‘ડ્રીમ ટીમ’ બનાવવા ઈચ્છે છે. આ સાથે પક્ષના નેતૃત્વ માટે જ્હોન્સનના કટ્ટર હરીફ અને 2019માં સ્પર્ધામાં હારી જનારા હન્ટને સરકારના એજન્ડા અને પ્રાથમિકતાઓ સાંકળી લેવાશે તેમ જ્હોન્સનના વફાદારો માને છે. જોકે, વડા પ્રધાનના પ્રખર ટીકાકાર હન્ટ આ ઓફર સ્વીકારશે તેવી કોઈ ખાતરી નથી અને નેતાગીરીની કટોકટીમાં સતત સમર્થન આપનારા સુનાકને નીચી પાયરીએ ઉતારવાથી તેઓ બિનવફાદાર હોવાનું ગણાઈ શકે છે.
દરમિયાન, જેરેમી હન્ટને ‘યુનિટી’ ચાન્સેલર બનાવવાની હિમાયતને નંબર 10 દ્વારા ફગાવી દેવાઈ છે. વડા પ્રધાનના પ્રવક્તાએ સ્પષ્ટ કર્યું છે કે નંબર 11 ખાતે જગ્યા ખાલી નથી અને સુનાક ઘણી સારી કામગીરી બજાવી રહ્યા છે.