લંડનઃ મેયર સાદિક ખાને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની મેચીસ લંડનમાં રમાડવાનું વચન આપ્યું છે. ક્રિકેટ સત્તાવાળાઓ સાથે સતત કામગીરી બજાવીને IPLની મેચીસ લંડનમાં યોજાય તેમ કરવા લેબર પાર્ટીના મેયરપદના ઉમેદવારે ખાતરી ઉચ્ચારી છે. મેયરપદના ઉમેદવારે આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સના ઉપયોગથી લંડનમાં ઈન્વેસ્ટમેન્ટ લાવવાના પ્રયાસો કરતા રહેવાનું વચન આપ્યું છે.
કોરોના મહામારી પછી બહેતર અને વધુ સમૃદ્ધ લંડન માટે પોતાના વિઝનને સાદિક ખાન આગળ વધારી રહ્યા છે. લંડનના મેયર તરીકે પ્રથમ મુદતમાં સાદિક ખાન મેજર લીગ બેઝબોલને લંડનમાં પ્રથમ વખત લાવવામાં સફળ રહ્યા હતા. તેમણે NFL સાથે લંડનના સંબંધો વધારી નવા ટોટેનહામ હોટ્સપુર સ્ટેડિયમ ખાતે સીઝનની રેગ્યુલર મેચીસ રમવા લીગ માટે ૧૦ વર્ષનું કમિટમેન્ટ પણ હાંસલ કર્યું હતું.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની સ્થાપના ૨૦૦૮માં થયા પછી તેણે અભૂતપૂર્વ વૈશ્વિક વિકાસ સાધ્યો છે અને વિશ્વમાં સૌથી મોટી સ્પોર્ટ્સ લીગમાં એક તરીકે સ્થાન હાંસલ કર્યું છે.
IPLની મેચીસ લંડનમાં રમાડવાથી તાજેતરના વર્ષોમાં ત્રણ ગ્લોબલ સ્પર્ધાઓનો વારસો ઉભો કરી શકાશે જ્યાં લંડનના બે મોટા ક્રિકેટ ગ્રાઉન્ડસ (લોર્ડ્સ અને ધ કીઆ ઓવલ) પર રમતો માટેની ટિકિટો મહિનાઓ અગાઉ વેચાઈ ગઈ હતી.
કિંગ્સ્ટન સીસી ખાતે યુવા ક્રિકેટરોને તાલીમ લેતા નિહાળવાની મુલાકાત દરમિયાન મેયર સાદિક ખાને કહ્યું હતું કે,‘ મહામારી પછી બહેતર લંડનના નિર્માણની મારી યોજનાનો આ એક હિસ્સો છે. હું જાણું ચું કે લંડનવાસીઓ વિરાટ કોહલી, રોહિત શર્મા અને ઋષભ પંત જેવા ખેલાડીઓને વારંવાર રમતા નિહાળવા આતુર છે. વિશ્વના સૌથી શ્રેષ્ઠ ક્રિકેટ ગ્રાઉન્ડ્સ, લોર્ડ્સ અને ધ કીઆ ઓવલ સાથે લંડન IPLની મેચીસ યોજવા માટે યોગ્ય સ્થળ છે.’
તેમણે કહ્યું હતું કે,‘ મુખ્ય સ્પર્ધાઓમાં ભીડની ગેરહાજરી ઘણા રમતપ્રેમી લંડનવાસીઓ માટે મુશ્કેલ છે પરંતુ, હું જાણું છું કે આપણે મહામારી પછી લંડનને વધુ સારું, ખુલ્લું અને સમૃદ્ધ નગર તેમજ આપણી રાજધાનીને વિશ્વની શ્રેષ્ઠ સ્પોર્ટિંગ કેપિટલ બનાવી શકીએ છીએ.’