લંડનઃ ટોરી પાર્ટીના કાર્યકરોમાં લિઝ ટ્રસ અને સુનાકની લોકપ્રિયતામાં વધારો થયો છે પરંતુ, અફઘાન કટોકટી મુદ્દે ભારે ગરબડ કરનારા પૂર્વ ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબની લોકપ્રિયતા તદ્દન તળિયે પહોંચી હતી. કન્ઝર્વેટિવ હોમ્સના તાજા કેબિનેટ લીગ લોકપ્રિયતા પોલમાં ૮૫.૨થી વધુ પોઈન્ટ સાથે પૂર્વ ઈન્ટરનેશનલ ટ્રેડ સેક્રેટરી લિઝ ટ્રસ મોખરે અને ચાન્સેલર રિશિ સુનાક ૭૪.૫થી વધુ પોઈન્ટ સાથે બીજા ક્રમે રહ્યાં હતાં. કેબિનેટ ઓફિસ મિનિસ્ટર લોર્ડ ફ્રોસ્ટ ૬૫.૫, ડિફેન્સ સેક્રેટરી બેન વોલેસ ૬૪.૨તેમજ હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદ ૬૨.૨થી વધુ પોઈન્ટ સાથે અનુક્રમે ત્રીજા, ચોથા અને પાંચમા ક્રમે રહ્યા હતા.
કન્ઝર્વેટિવ પાર્ટીના ઓગસ્ટ મહિનાના સર્વેમાં એજ્યુકેશન સેક્રેટરી ગાવિન વિલિયમસન માઈનસ ૫૩.૫ પોઈન્ટ સાથે સૌથી ખરાબ રેટિંગમાં હતા. પેટાચૂંટણીઓમાં પાર્ટીના પરાજય માટે જવાબદાર ગણાયેલા પાર્ટી ચેરમેન અમાન્ડા મિલિંગ માઈનસ ૧૬.૬ પોઈન્ટ સાથે ખરાબ રેટિંગમાં બીજા ક્રમે રહ્યાં હતાં. અગાઉના કેબિનેટ લીગ ટેબલમાં ૭૩થી વધુ પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે રહેલા ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબને અફઘાન કટોકટીમાં કામગીરી નડી ગઈ હતી અને તેમનું રેટિંગ ઘટીને માત્ર માત્ર ૬.૧ પોઈન્ટ જ રહ્યું હતું.