લંડનઃ જ્હોન્સનનું સ્થાન લેવા ફોરેન સેક્રેટરી અને નેતાપદના ઉમેદવાર લિઝ ટ્રસ મક્કમ પગલે આગળ વધી રહ્યાં છે. ટ્રસે ગત બે પોલ્સમાં રિશિ સુનાક સામે ભારે સરસાઈ હાંસલ કરી છે. ત્યારે તેમની કેબિનેટમાં કોને લેવા તેની ચર્ચાવિચારણા પણ શરૂ કરી દેવાઈ છે. લિઝ ટ્રસ પોતાના વફાદારોને સરપાવ આપશે તે નિશ્ચિત છે. ટ્રસની ટીમ દ્વારા શાસનના પ્રથમ 100 દિવસમાં શું કરાશે તેની તૈયારી સાથે કેબિનેટના ચાવીરુપ સ્થાનો ભરવાની કવાયત હાથ ધરાવા સાથે એનર્જી બિલના વિવાદી મુદ્દાનું નિરાકરણ લાવવા ઈમર્જન્સી બજેટ પણ ઘડાઈ રહ્યું છે. આર્થિક નિષ્ણાતોને ડાઉનિંગ સ્ટ્રીટમાં સ્થાન આપવાની વાતચીત ચાલી રહી છે.
લિઝ ટ્રસ સામે ઘરઆંગણે અને આંતરરાષ્ટ્રીય તખ્તા પર મહત્ત્વના પડકારો ઉભા છે. ટ્રસ પોતાની કેબિનેટ બાબતે સ્પષ્ટ છે. બિઝનેસ સેક્રેટરી અને જૂના સાથી ક્વાસી ક્વારટેન્ગને ચાન્સેલર બનાવાશે તે લગભગ નિશ્ચિત છે. પરાજિત ઉમેદવારને સારી પોસ્ટ આપવાનું ધોરણ હોવાથી ટ્રસ પણ રિશિ સુનાકને હેલ્થ સેક્રેટરીના પદની ઓફર કરશે પરંતુ, સુનાક તેનો સ્વીકાર કરે તેવી શક્યતા નહિવત્ છે. આ સંજોગોમાં વર્તમાન ચાન્સેલર નધિમ ઝાહાવીને હેલ્થ સેક્રેટરીનું પદ મળી શકે છે. જોકે, રિશુિ સુનાકે આવી શક્યતાને હસી કાઢી તેનો ઈનકાર કર્યો છે.
એમ કહેવાય છે કે એટર્ની જનરલ સુએલા બ્રેવરમાનને હોમ સેક્રેટરી બનાવવાની સમજૂતી થઈ છે જ્યારે જેમ્સ ક્લેવર્લીને ફોરેન સેક્રેટરી બનાવવાની ધારણા છે. જ્હોન્સન અને ટ્રસના વફાદાર જેકોબ રીસ-મોગને લેવલિંગ-અપ સેક્રેટરીની ભૂમિકા સોંપવાની વિચારણા છે. બીજી તરફ, વર્ક એન્ડ પેન્શન્સ સેક્રેટરી થેરેસે કોફીને પ્રથમ મહિલા ચીફ વ્હીપ તરીકે સ્થાન આપવાનું વિચારાય છે. નેતાગીરીની સ્પર્ધામાં નોંધપાત્ર લડત આપનારા કેમી બેડનોકની શક્યતા એજ્યુકેશન સેક્રેટરી અથવા કલ્ચરલ સેક્રેટરી તરીકે છે. જ્હોન્સન કેબિનેટમાંથી રાજીનામું આપનારા સાજિદ જાવિદની ભૂમિકા વિચારાધીન છે. જેમ્સ બાઉલરને કેબિનેટ સેક્રેટરી બનાવવા વિચારાઈ રહ્યું છે. માર્ગારેટ થેચરના પૂર્વ કેબિનેટ મિનિસ્ટર સર જ્હોન રેડવૂડ 27 વર્ષની ગેરહાજરી પછી ટ્રેઝરીના ઈકોનોમિક સેક્રેટરી અથવા ફાઈનાન્સિયલ સેક્રેટરી તરીકે કામગીરી સંભાળી લે તેવી ધારણા છે.
લિઝ ટ્રસની સંભવિત કેબિનેટ
ક્વાસી ક્વારટેન્ગ – ચાન્સેલર
જેમ્સ ક્લેવર્લી - ફોરેન સેક્રેટરી
સુએલા બ્રેવરમાન – હોમ સેક્રેટરી
નધિમ ઝાહાવી - હેલ્થ સેક્રેટરી
થેરેસે કોફી - ચીફ વ્હીપ
જેકોબ રીસ-મોગ – લેવલિંગ-અપ સેક્રેટરી
કેમી બેડનોક - એજ્યુકેશન સેક્રેટરી અથવા કલ્ચરલ સેક્રેટરી
જેમ્સ બાઉલર - કેબિનેટ સેક્રેટરી
સર જ્હોન રેડવૂડ - ઈકોનોમિક સેક્રેટરી/ ફાઈનાન્સિયલ સેક્રેટરી (ટ્રેઝરી)