લંડનઃ લિઝ ટ્રસ નેતાગીરીની સ્પર્ધામાં વિજય મેળવ્યા પછી વડા પ્રધાન તરીકે ગયા મહિને જ તેમના પતિ હ્યૂજ ઓ‘લીઅરી અને બે ટીનએજ દીકરીઓ સાથે 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં રહેવાં આવી ગયાં છે. જો કે, આ પરિણીત દંપતી માટે લગ્નજીવન સરળ રહ્યું નથી. મિસ ટ્રસનું પ્રેમપ્રકરણ તેમના રાજકીય માર્ગદર્શક અને લંડન માટેના શેડો મિનિસ્ટર પૂર્વ ટોરી સાંસદ માર્ક ફિલ્ડ સાથે ચાલી રહ્યું હોવાનું બહાર આવતા પરિસ્થિતિ નાજૂક બની હતી.
મિસ ટ્રસ અને માર્ક ફિલ્ડ વચ્ચે 2004માં સંબંધ બંધાયો હતો અને 2005માં અંત આવી ગયાનું કહેવાય છે પરંતુ, તે છેક એક વર્ષ પછી જાહેરમાં આવ્યો હતો. મિસ ટ્રસ અને હ્યૂજ ઓ‘લીઅરીના લગ્નના છ વર્ષ પછી આ પ્રકરણ જાહેર થયું હતું. આ સંબંધ પ્રકાશમાં આવ્યા પછી પૂર્વ ટોરી સાંસદ ફિલ્ડના ઈન્વેસ્ટમેન્ટ બેન્કર મિશેલ એક્ટન સાથેના લગ્ન ભાંગી પડ્યા હતા જ્યારે લિઝ ટ્રસના લગ્નને કોઈ આંચ આવી ન હતી.
હ્યૂજ ઓ‘લીઅરી તેમના પત્નીના પ્રેમપ્રકરણ વિશે શું કહે છે અને તેમણે વર્તમાન વડા પ્રધાનને કેવી રીતે માફ કર્યા તે જાણવા જેવી બાબત છે. મિસ ટ્રસ અને ઓ‘લીઅરીની મુલાકાત 1997ની ટોરી પાર્ટી કોન્ફરન્સમાં થઈ હતી. તેમના સંબંધના સાત વર્ષ અને લગ્નના ચાર વર્ષ પછી મિસ ટ્રસની એફેર માર્ક ફિલ્ડ સાથે થઈ હતી. આ સંબંધના સમાચાર જાહેર થયા ત્યારે લિઝ ટ્રસ અને તેમના પતિએ મૌન જાળવી રાખ્યું હતું. ઓ‘લીઅરીએ વર્તમાનપત્રોના પ્રશ્નોનો ઉત્તર પણ વાળ્યો ન હતો. બંનેએ પોતાના સંબંધ નિભાવવા પર ધ્યાન આપ્યું અને ઓ‘લીઅરી પાર્ટીની નેતાગીરી અને વડા પ્રધાન બનવાના લિઝના અભિયાનમાં સતત સાથે રહ્યા હતા. લિઝ સ્પર્ધા જીત્યાં ત્યારે તેઓ બંનેએ સૌપ્રથમ વખત સાથે દેખા દીધી હતી.
ઓ‘લીઅરી પત્નીના પ્રેમ પ્રકરણ વિશે વાત કરવામાં ખચકાય છે ત્યારે મિસ ટ્રસે દાવો કર્યો હતો કે આ પ્રકરણ પછી તેમનું લગ્ન વધુ મજબૂત બન્યું છે અને તેમાંથી તેમને બોધપાઠ મળ્યો છે. તેમણે 2009માં કહ્યું હતું કે,‘ હું ભૂતકાળમાંથી ઘણું શીખી છું. આ બન્યા પછી સંબંધ વધુ મજબૂત બન્યો છે. એફેર મારી ભૂલ હતી અને તે બાબતે હું દિલગીર છું. અમે આગળ વધી ગયા છીએ.’ આના 10 વર્ષ પછી 2019માં લિઝે એક મેગેઝિનને જણાવ્યું હતું કે,‘ હું આનંદિત પરણેલી છું.’
કન્ઝર્વેટિવ પાર્ટીમાં પણ લિઝ ટ્રસનું એફેર ચગ્યું હતું. પાર્ટીના નેતા ડેવિડ કેમરન મહિલા સાંસદોની સંખ્યા વધારવા ઈચ્છતા હતા ત્યારે સાઉથ વેસ્ટ નોર્ફોકના પાર્ટી ઉમેદવાર તરીકે ટ્રસને પડતાં મૂકવામાં આવે તેવી સ્થિતિ સર્જાઈ હતી. જોકે, લગ્નેતર સંબંધ કોઈના માટે સાંસદ બનવામાં અંતરાય ન હોવો જોઈએ તેવી સમજાવટ સાથે કેમરને પક્ષના કાર્યકરોની માફી માગી ટ્રસની કારકિર્દી બચાવી લીધી હતી.