લિઝ ટ્રસનો લવારો – વડાપ્રધાન બનીશ તો પરમાણુ યુદ્ધ લડવા પણ તૈયાર

વૈશ્વિક વિનાશની પરવા કર્યા વિના વડાપ્રધાન તરીકેની ફરજ બજાવીશ - ટ્રસ

Wednesday 31st August 2022 05:44 EDT
 
 

લંડન

બ્રિટનના વડાપ્રધાનની રેસમાં ઉતરેલા બે અંતિમ ઉમેદવારો એક પછી એક વિવાદાસ્પદ નિવેદનો આપી રહ્યાં છે. કેન્ઝર્વેટિવ લીડરશિપના ફ્રન્ટરનર મનાતા લિઝ ટ્રસે જણાવ્યું હતું કે, જો હું આગામી મહિને વડાપ્રધાન બનીશ તો પરમાણુ યુદ્ધ લડવા માટે પણ તૈયાર છું. બર્મિંગહામ ખાતે ટોરી હસ્ટિંગને સંબોધન કરતા ટ્રસે જણાવ્યું હતું કે વૈશ્વિક વિનાશ થવાનો હોય તો થાય પરંતુ જરૂર પડશે તો બ્રિટનનું ન્યુક્લિયર બટન દબાવવા માટે તૈયાર રહીશ. હસ્ટિંગમાં લિઝ ટ્રસને સવાલ કરાયો હતો કે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ વૈશ્વિક વિનાશ નોંતરી શકે છે. આવી સ્થિતિમાં વડાપ્રધાન તરીકે તમે શું કરશો? લિઝ ટ્રસે જવાબમાં જણાવ્યું હતું કે, મને લાગે છે કે એક વડાપ્રધાનની મહત્વની ફરજ છે અને તે માટે હું હંમેશા તૈયાર રહીશ. આ પહેલાં લિઝ ટ્રસે જણાવ્યું હતું કે, પશ્ચિમના દેશો સામે રશિયા દ્વારા કરાતા કાવતરાને ઉઘાડા પાડવા હું બ્રિટિશ ગુપ્તચર અહેવાલો જાહેર કરીશ.

એક અખબારમાં લખેલા આર્ટિકલમાં લિઝ ટ્રસે ક્રેમલિનના જુઠ્ઠાણાનો સામનો કરવા સરકાર દ્વારા કરાયેલા પ્રયાસો વર્ણવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, એક વડાપ્રધાન તરીકે હું વિશ્વ સમક્ષ પુતિનના જુઠ્ઠાણા જાહેર કરવા માટે ગુપ્તચર અહેવાલો જાહેર કરવા સહિતના તમામ પગલાં લઇશ. લોકશાહીઓને અસ્થિર કરવાના રશિયાના પ્રયાસોને ઉઘાડા પાડવા મારી સરકાર ગુપ્તચર અહેવાલોનો વ્યૂહાત્મક ઉપયોગ કરશે. લિઝ ટ્રસના પ્રતિસ્પર્ધી રિશી સુનાકે પણ યુક્રેનની જનતા જોગ પત્ર લખીને જણાવ્યું હતું કે, અમારા દેશમાં ભલે ગમે તે બદલાવ આવે પરંતુ બ્રિટન હંમેશા તમારો સૌથી મજબૂત સાથી બની રહેશે.

ડિફેન્સ સેક્રેટરી બેન વોલેસે પણ જણાવ્યું હતું કે, રશિયા  અત્યારે અત્યંત નાજુક સ્થિતિમાં છે અને યુક્રેન યુદ્ધમાં તેની નજીવી સફળતા હાંસલ થઇ છે. રશિયા એક સપ્તાહમાં માઇલો સુધી નહીં પરંતુ ફક્ત થોડા મીટર જ આગળ વધી રહ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter