લંડન
પીએમ પદની રેસમાં ઉતરેલા લિઝ ટ્રસ વિવાદાસ્પદ વિધાનો માટે જાણીતા બની રહ્યાં છે. બ્રિટનના કામદારો અને કર્મચારીઓ પર લિઝ ટ્રસે આપેલા એક નિવેદનને કારણે દેશમાં મોટો વિવાદ સર્જાયો છે. એક જૂની ઓડિયો ક્લિપમાં લિઝ ટ્રસે બ્રિટનના કર્મચારીઓને આળસુના પીર ગણાવતા ટોરી વિરોધીઓના ભાથામાં એક વધુ શસ્ત્ર ઉમેરાયું હતું. એક અખબારે જારી કરેલી ઓડિયો ક્લિપમાં લિઝ ટ્રસને એમ કહેતાં સાંભળી શકાય છે કે બ્રિટનના કર્મચારીઓ આળસુના પીર હોય છે. તેઓ બિનજરૂરી લાભોની આશા રાખતા હોય છે. વિદેશી કામદારોની સરખામણીમાં બ્રિટિશ કામદારોમાં કુશળતાનો અભાવ છે. વિપક્ષ દ્વારા થઇ રહેલા પ્રહારથી વિચલિત થયા વિના લિઝ ટ્રસે જણાવ્યું હતું કે, દેશમાં ઉત્પાદકતા સુધારવાની જરૂર છે. વિરોધીઓ મારા કયા નિવેદનની વાત કરે છે તે હું જાણતી નથી પરંતુ અત્યારે હું એટલું કહી શકુ કે દેશને વધુ આર્થિક વિકાસની જરૂર છે તેથી દેશભરમાં ઉત્પાદકતા વધારવી પડશે. આ ઓડિયો ક્લિપ લિઝ ટ્રસ ટ્રેઝરીના ચીફ સેક્રેટરી હતા તે સમયની છે.
બે મિનિટની ઓડિયો ક્લિપમાં ટ્રસ એમ કહે છે કે, બ્રિટિશ કામદારોની માનસિકતા અને વલણ તેમની ઓછી ઉત્પાદકતા માટે જવાબદાર છે. તેમના કરતા વિદેશી કામદારોની ઉત્પાદકતા વધુ હોય છે. બ્રિટિશ કામદારોને બિનજરૂરી લાભ વધુ જોઇતા હોય છે. આ બ્રિટિશ કામદારોનું વર્કિંગ કલ્ચર છે. જો આપણા દેશને વધુ સમૃદ્ધ બનાવવો હશે તો આ કલ્ચરને બદલવું પડશે. પરંતુ મને નથી લાગતું કે લોકો તેના માટે વધુ ઉત્સુક હોય.
બ્રિટિશરો વિશ્વમાં સૌથી મહેનતુ કામદારો છે – સાજિદ જાવિદ
લિઝ ટ્રસને પીએમ પદ માટે સમર્થન આપનારા સાજિદ જાવિદે જણાવ્યું હતું કે, બ્રિટિશરો વિશ્વમાં સૌથી મહેનતુ કામદારો છે. લિઝ ટ્રસે આ નિવેદન ઘણા વર્ષો પહેલાં આપ્યું હતું. હું નથી જાણતો કે તેમણે ચોક્કસ કયા સંદર્ભમાં આ વાતો કહી હતી. મને લાગે છે કે ટ્રસ બિઝનેસ અને ઇન્વેસ્ટમેન્ટની વાત કરી રહ્યાં હશે કારણ કે ઉત્પાદકતા વધારવા માટે સરકારે મહત્વની ભુમિકા ભજવવી પડે છે. તેમણે કદાચ સ્કીલ ડેવલપમેન્ટ માટે પણ આ વાતો કહી હોય કારણ કે દેશમાં સ્કીલ ડેવલપમેન્ટ માટે રોકાણ કરવું જરૂરી છે.