લંડન
લિઝ ટ્રસે તેમના વડાંપ્રધાન કાળના પ્રથમ કેટલાંક સપ્તાહમાં કરેલી ભૂલો અંગે જાહેરમાં માફી માગી છે. જોકે સાથે સાથે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે કે આગામી સંસદની ચૂંટણીમાં હું કન્ઝર્વેટિવ પાર્ટીનું નેતૃત્વ કરીશ.
ટ્રસે જણાવ્યું હતું કે, અમે ભૂલો કરી છે અને તેના માટે હું માફી માગું છું. અમે તે ભૂલો સુધારી લીધી છે. મેં નવા ચાન્સેલરની નિયુક્તિ કરી છે. અમે આર્થિક સ્થિરતા અને નાણાકિય શિસ્ત પુનઃસ્થાપિત કર્યાં છે. હવે હું જનતાને આપેલા વચનો પૂરા કરવા ઇચ્છું છું. અમે 2019ના ચૂંટણી ઢંઢેરાના આધારે વિજયી થયાં હતાં. હું તે તમામ વચનો પૂરા કરવા માગું છું. અમે બ્રિટિશ જનતાની સેવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માગીએ છીએ.
ટ્રસે જણાવ્યું હતું કે આપણે મુશ્કેલ આર્થિક સમયમાંથી પસાર થઇ રહ્યાં છીએ. હવે કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય છે. અમે એનર્જી પેકેજ પર કામ કરી રહ્યાં છીએ.
મૃતક પોતાના જ વખાણ કરે છે – ટ્રસ પર ટોરીઝનો પ્રહાર
મિની બજેટ હારાકિરી પૂરવાર થતાં ઠેર ઠેર માફી માગી રહેલા લિઝ ટ્રસની ટોરી સાંસદોએ આકરી ટીકા કરી છે. તેમણે જણાવ્યું હતું કે, મૃતક પોતાના જ વખાણ કરે છે. કેટલાક સાંસદોએ જણાવ્યું હતું કે, પાર્ટીએ આગામી ચૂંટણીમાં પ્રચંડ પરાજય અટકાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ.