લંડનઃ લેબર પાર્ટીને રાજકારણના કેન્દ્રમાં લાવવાના પ્રયાસરુપે સર કેર સ્ટાર્મરે પોતાની નેતાગીરી હેઠળ શેડો કેબિનેટનું રીશફલ કરી ઈવેટ કૂપર, ડેવિડ લેમી અને લિસા નાન્દીને મહત્ત્વપૂર્ણ સ્થાન આપ્યા હતા. જોકે, ડેપ્યુટી લેબરનેતા એન્જેલા રાયનેરને છેલ્લી ઘડી સુધી રીશફલિંગની જાણ થઈ ન હતી.
કોર્બીનતરફી શેડો કેબિનેટ ઓફિસ મિનિસ્ટર કેટ સ્મિથને શેડો કેબિનેટમાંથી વિદાય અપાઈ હતી જ્યારે પૂર્વ લેબરનેતા એડ મિલિબેન્ડ પાસેથી બિઝનેસ જવાબદારી આંચકી લેવાયા પછી તેમની પાસે માત્ર ક્લાઈમેટ ચેન્જ બ્રીફ રહી છે.
ગત લેબર સરકારમાં મિનિસ્ટર રહેલાં ઈવેટ કૂપર હવે શેડો હોમ સેક્રેટરીની કામગીરી બજાવશે. તેઓ હાલ હોમ એફેર્સ સિલેક્ટ કમિટીના અધ્યક્ષ છે. ડેવિડ લેમીને શેડો ફોરેન સેક્રેટરી તરીકે બઢતી અપાઈ છે જયારે અત્યાર સુધી શેડો ફોરેન સેક્રેટરી રહેલાં લિસા નાન્દી શેડો લેવલિંગ-અપ સેક્રેટરી તરીકે કામગીરી બજાવશે.
લેબરનેતા સ્ટાર્મરે જણાવ્યું હતું કે તેમના વડપણ હેઠળની લેબર પાર્ટી દેશની પ્રાયોરિટીઝ પર ધ્યાન કેન્દ્રિત કરશે. સર સ્ટાર્મરે મે મહિનામાં હાર્ટપૂલ પેટાચૂંટણી ગુમાવ્યા પછી એન્જેલા રાયનેરને ઈલેક્શન કો-ઓર્ડિનેટર તરીકે દૂર કર્યા પછી નવ મહિનામાં બીજી વખત રિશફલિંગ કર્યું છે.