લંડન
લેબર પાર્ટીના નેતા સર કીર સ્ટાર્મેરે પૂર્વ વડાપ્રધાન ગોર્ડન બ્રાઉન સાથે મળીને પાર્ટીના નેતૃત્વમાં ભાવિ બ્રિટન કેવો હશે તેની રૂપરેખા રજૂ કરી હતી. ન્યૂ બ્રિટન નામના આ દસ્તાવેજમાં હાઉસ ઓફ લોર્ડસમાં ધરમૂળથી બદલાવ, રાજનીતિમાં સાફસૂફી, નવા કાયદા સહિતના સુધારાની વાત કરવામાં આવી છે. લેબર પાર્ટી આગામી સંસદની ચૂંટણીના તેના ઢંઢેરામાં લેબર પાર્ટીની નીતિ કેવી રહેશે તેના સંકેત આ દસ્તાવેજમાં અપાયા છે. સ્ટાર્મેરે આ રિપોર્ટમાં તમામને સમાન તક, સત્તાના વિકેન્દ્રિકરણ અને કેન્દ્રીય સત્તાઓમાં સુધારાની રૂપરેખા રજૂ કરી છે.
સ્ટાર્મેરે રજૂ કરેલા રિપોર્ટમાં સ્થાનિક સત્તાવાળાઓને વધુ સત્તા આપવાનું વચન આપ્યું છે. જેમાં મેયરો અને સ્થાનિક સત્તામંડળોને નવા આર્થિક, કરવેરા અને કાયદા ઘડવા સુધીની સત્તાઓ આપવામાં આવશે. સ્થાનિક નેતાઓના હાથમાં જોબ ડેવલપમેન્ટ, ટ્રાન્સપોર્ટ, હાઉસિંગ અને કલ્ચર મુદ્દે નિર્ણયો લેવાની સત્તા રહેશે.
ગોર્ડન બ્રાઉને જણાવ્યું હતું કે, ન્યૂ બ્રિટનમાં સ્કોટલેન્ડને વધુ સ્વાયત્તતા સાથે આર્થિક નિર્ણયોની સત્તા અપાશે. સ્કોટલેન્ડની સરકાર આંતરરાષ્ટ્રીય કરારો કરી શકશે અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં પણ સામેલ થઇ શકશે. સ્કોટલેન્ડ યુનાઇટેડ કિંગડમનો હિસ્સો રહીને જ વૈશ્વિક ભુમિકા ભજવી શકશે. સ્કોટલેન્ડને દેશની મહત્વની સંસ્થઆઓમાં પણ અલગ પ્રતિનિધિત્વ અપાશે.
સ્ટાર્મેરે જણાવ્યું હતું કે, 10 ટકા સરકારી કર્મચારીઓને વ્હાઇટહોલની બહાર ખસેડાશે. હજારો સરકારી નોકરીઓ લંડનથી સ્કોટલેન્ડમાં ખસેડાશે. ગોર્ડન બ્રાઉને જણાવ્યું હતું કે હાલના હાઉસ ઓફ લોર્ડ્સને વિખેરી નાખીને તેના સ્થાને લોકો દ્વારા ચૂંટાયેલા સભ્યોને હાઉસ ઓફ લોર્ડ્સમાં સ્થાન અપાશે.